કિશોર ક્યાં ગયો?:ગાંધીનગરના સેકટર - 2 ખાતેથી વેસ્ટ બંગાળનો 15 વર્ષીય કિશોર ગુમ, સોળ દિવસથી પત્તો લાગતો નથી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેકટર - 7 પોલીસે સીસીટીવી ચકાસી અસંખ્ય લોકોને પૂછતાંછ કરતાં ગઈકાલે છેલ્લે શીહોલી લોકેશન મળ્યું હતું
  • પોલીસ પહોંચે એ પહેલાં કિશોર ત્યાંથી પણ ક્યાંક ચાલી નિકળ્યો

ગાંધીનગરનાં સેકટર - 2 ખાતેથી વેસ્ટ બંગાળનો 15 વર્ષીય કિશોર ગુમ થઈ જતાં સેકટર - 7 પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. માત્ર બંગાળી ભાષા જ સમજી બોલી શકતો કિશોર છેલ્લા પંદરેક દિવસથી ગુમ થઈ જતાં પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ અસંખ્ય લોકોની પૂછતાંછ કરતાં કિશોર ગઈકાલે શિહોલી તરફ સ્થાનિકોને જોવા મળ્યો હતો. જો કે પોલીસ પહોંચે એ પહેલાં કિશોર ત્યાંથી પણ રવાના થઈ ગયો છે.

એકતરફ ગાંધીનગરના અટપટા રસ્તા તેમજ માત્ર બંગાળી ભાષા જ બોલી સમજી શકનાર કિશોરને શોધવા સેકટર - 7 પોલીસ ધ્વારા દિવસરાત દોડધામ શરૂ કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી કિશોરનો ક્યાંય પત્તો લાગ્યો નથી. મૂળ વેસ્ટ બંગાળના હાલમાં અમદાવાદ રહી ગાંધીનગરમાં સુથારી કામ કરતા મકબૂલ ખાન સેકટર - 1 માં ફર્નિચરનું કામ કરે છે.

પચ્ચીસ દિવસ અગાઉ મકબૂલ અને તેની પત્ની, બાળકો સાથે વતન વેસ્ટ બંગાળથી પાડોશીમાં રહેતાં મહાદેવસિંગનાં દીકરા રણજીતને પોતાની સાથે લઈ આવ્યા હતા. 15 વર્ષના રણજીતને સ્કૂલમાં વેકેશન હોવાથી તે અમદાવાદ શહેર જોવા માટે મકબૂલ સાથે આવ્યો હતો. અમદાવાદમાં પાંચેક દિવસ રોકાઈને તેને ફરવા પણ લઈ ગયા હતા. બાદમાં મકબૂલને સેકટર - 1 માં ફર્નિચરનું કામ ચાલતું હોવાથી તે રણજીતને ગાંધીનગર બતાવવા માટે પોતાની સાથે લઈ આવ્યો હતો.

જો કે મકબૂલ રોજ અપડાઉન કરતો હોવાથી તેણે રણજીતને સાથે કામ કરતા વેસ્ટ બંગાળના માણસો સાથે રાખ્યો હતો. મકબૂલ સાંજે અમદાવાદ જતો અને સવારે કામ પર પરત આવતો હતો. એ વખતે તે રણજીતને મળતો પણ હતો. ત્યારે ગત તા 15 મી મે ના રોજ રાત્રે ક્રિકેટ રમ્યા પછી બધા સૂઇ ગયા હતા. અને વહેલી સવારે રણજીત ગાયબ થઈ જતાં મકબૂલ ગાંધીનગર દોડી આવ્યો હતો.

બાદમાં ઘણી શોધખોળ કરવા છતાં રણજીતનો ક્યાંય પત્તો ન લાગતાં સેકટર - 7 પોલીસમાં જાણવાજોગ ફરિયાદ કરી હતી. જેનાં પગલે સેકટર - 7 પોલીસની ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ તપાસી અસંખ્ય લોકોની પૂછતાંછ કરતાં ગઈકાલે પાંચ વાગે રણજીત શિહોલી વિસ્તારમા હોવાની ભાળ મળી હતી. પરંતુ પોલીસ પહોંચે એ પહેલાં ત્યાંથી પણ રણજીત ક્યાંય ચાલી નિકળ્યો હતો. આ અંગે કોઇને જાણ થાય તો પોલીસ કન્ટ્રોલ રૂમ તેમજ સેકટર - 7 પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...