ગાંધીનગરમાં ઓમિક્રોનની એન્ટ્રી:લંડનથી આવેલા 15 વર્ષીય વિદ્યાર્થીનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઇ તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેકટર-1માં અઠવાડિયા અગાઉ લંડનથી આવેલા 15 વર્ષીય વિદ્યાર્થીનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો
  • ઓમિક્રોન સંક્રમિત કિશોરના સંપર્કમાં આવેલા લોકોના રિપોર્ટ કરવાની કવાયત હાથ ધરવામાં આવી

ગાંધીનગરમાં આજે સત્તાવાર રીતે ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે. સેકટર-1માં અઠવાડિયા અગાઉ લંડનથી આવેલા 15 વર્ષીય વિદ્યાર્થીનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને ખાનગી હોસ્પિટલમાં સઘન સારવાર આપવામાં આવી રહી છે. વાયબ્રન્ટ ટાણે પાટનગર ગાંધીનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ સામે આવતા આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 પહેલા આજે ઓમિક્રોનનો પહેલો કેસ સત્તાવાર નોંધાયો છે. જેના કારણે તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. લંડનથી આવેલા કિશોરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 15 વર્ષના કિશોરને અત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. ત્યારે ઓમિક્રોનના કારણે તંત્ર પણ હરકતમાં આવ્યું છે. આ સાથે જ ઓમિક્રોન સંક્રમિત કિશોરના સંપર્કમાં આવેલા લોકોના રિપોર્ટ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

રાજ્યમાં ધીમે ધીમે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં અત્યારે 10 જેટલા કેસ નોંધાયા છે. જેમાં ગાંધીનગરમાં પણ એક કેસ નોંધાતા વાઈબ્રન્ટ પહેલા ચિંતા વધી છે. જોકે, અન્ય એક કેસ ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ છે.

આ 15 વર્ષનો NRI કિશોર લંડનમાં જ રહે છે. જે 11 ડિસેમ્બરે ગાંધીનગર આવ્યો હતો. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કિશોરનો અમદાવાદમાં RT-PCR રિપોર્ટ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે રિપોર્ટની ક્વાલિટી 25થી વધુ આવતા રિપોર્ટ જિનોમ સિક્સવન્સિંગ માટે મોકલવામાં આવે છે. ત્યારે આ કિશોરનો રિપોર્ટ પણ લેબમાં મોકલવામાં આવ્યો હતો. લેબમાંથી તેનો રિપોર્ટ એક અઠવાડિયા બાદ આવતા ઓમિક્રોન હોવાની પુષ્ટિ થઈ છે. અત્યારે કિશોર ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. જોકે, તેની સાથે તેના પરિવારજનોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

પરિવારના 5 સભ્યના પુન: સેમ્પલ લેવાયા
લંડનથી આવેલા કિશોરના કોરોના પોઝિટિવ રિપોર્ટમાં ઓમિક્રોનનું વેરીયન્ટ હોવાનું લેબોરેટરી તપાસમાં બહાર આવ્યું છે. આથી કિશોરના સંપર્કવાળા પાંચેય વ્યક્તિના કોરોનાના સેમ્પલ પુન: લઇને તેનું આરટીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવશે. ઉપરાંત જીનોમ સિક્વસિન્સ માટે પણ મોકલાશે.

વિદેશથી આવેલી વ્યક્તિ પોઝિટિવ આવે તો ફરજિયાત હોસ્પિટલાઇઝ
આરોગ્ય વિભાગે નક્કી કરેલા વિશ્વના હાઇરિસ્કવાળા દેશોમાંથી આવતા લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો તાત્કાલિક તેને હોસ્પિટલાઇઝ કરીને નિદાન અને સારવાર કરવાની રાજ્યના આરોગ્ય વિભાગની ગાઇડ લાઇન નક્કી કરી છે.આમ હવે આરોગ્ય વિભાગ ગાંધીનગર તેમજ જિલ્લામાં ખાસ તકેદારી રાખી રહ્યુ છે.

વિદેશથી આવેલી વ્યક્તિઓના 4 અને 8 દિવસે લેવાતા સેમ્પલ
કોરોનાનું નવું વેરિયન્ટ ઓમિક્રોન જોવા મળતા તેને પગલે રાજ્યના આરોગ્ય વિભાગે ખાસ ગાઇડ લાઇન તૈયાર કરી છે. તેમાં વિદેશથી આવેલી વ્યક્તિઓના પ્રથમ 4 દિવસે સેમ્પલ લઇને કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવે છે. ત્યારબાદ 8 દિવસ બાદ સેમ્પલનું લેબોરેટરી ટેસ્ટીંગ કરવામાં આવે છે.

કુડાસણના વૃદ્ધને કોરોનાનો ચેપ
જિલ્લામાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે રવિવારે કુડાસણમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધ કોરોનાથી સંક્રમિત થયા છે. વૃદ્ધને તાવની સાથે સાથે શરીરે કળતર થતી હોવાથી તેમનો કોરોના રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. જોકે વૃદ્ધ હોમ આઇસોલેશન સારવાર પસંદ કરી છે. વૃદ્ધના સંપર્કવાળા ત્રણ વ્યક્તિઓના ટેસ્ટ કરાવાયા છે. જિલ્લામાં કોરોનાના કેસ 15 થયા છે.

અન્ય સમાચારો પણ છે...