કોલ્ડ સ્ટોરેજ પણ અસુરક્ષિત:બાલવાનાં કોલ્ડ સ્ટોરેજમાંથી મહેસાણા દૂધ સાગર ડેરીના બટરનાં 15 બોક્સ ચોરાયાં, સ્ટોરેજનાં સુપરવાઇઝરે જ ચોરી કર્યાનું ખુલ્યું

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 કિલો વજનના 57 હજાર 720 બટરનાં બોક્સ રાખવામાં આવ્યા હતા
  • દૂધ સાગર ડેરી માસિક 3.39 લાખ ભાડું પણ કોલ્ડ સ્ટોરેજ માલિકને ચૂકવી રહી છે

કલોલ તાલુકાના બાલવા ગામની સીમમાં આવેલા સહજાનંદ કોલ્ડ સ્ટોરેજમાં મહેસાણા દૂધ સાગર ડેરી દ્વારા રાખવામાં આવેલ 15 કિલો વજનના બટરનાં 15 બોક્સ ચોરી થયા અંગે કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઇ છે. ત્યારે આ બટરનો જથ્થો કોલ્ડ સ્ટોરેજનાં સુપરવાઇઝર દ્વારા જ ચોરી લેવામાં આવ્યું હોવાનું ખુલવા પામ્યું છે.

ગાંધીનગરના સરગાસણ મુકામે રહેતા વિષ્ણુભાઈ ચૌધરીનું બાલવા ગામની સીમમાં સહજાનંદ કોલ્ડ સ્ટોરેજ પ્રાઈવેટ લિમિટેડ આવેલું છે. જેમાં અન્ય ડાયરેકટરો સાથે તેમની પત્ની પણ ડાયરેક્ટર છે. જ્યારે વિષ્ણુભાઈ મેનેજર તરીકે ફરજ બજાવી બજાવે છે. આ કોલ્ડ સ્ટોરેજમાં પાંચ માણસો પણ ફરજ બજાવે છે. કોલ્ડ સ્ટોરેજના ચાર વિભાગો પૈકી એક વિભાગમાં મહેસાણા દૂધ સાગર ડેરીનું અમૂલનું સફેદ બટર માસિક રૂ. 3 લાખ 38 હજાર 286 ના ભાડાથી સ્ટોરેજ કરવામાં આવે છે. આ કોલ્ડ સ્ટોરેજમાં 57 હજાર 720 બોક્સ રાખવામાં આવ્યા હતા.

ગત તા. બીજી જુનના રોજ દૂધ સાગર ડેરીના સ્ટોક ઈન્ચાર્જ અધિકારીઓ કોલ્ડ સ્ટોરેજની વિઝિટ અર્થ આવ્યા હતા. તેમણે વિઝિટ બુકમાં બટરનાં બોક્સ અસ્તવ્યસ્ત તેમજ સ્ટોક ગણતરી કરવા સહિતની નોંધ કરી હતી. જેનાં પગલે વિષ્ણુભાઈ ચૌધરીએ માઈનસ 18 ડિગ્રી તાપમાનમાં બટરનાં સ્ટોક ના ફોટા પાડી દૂધ સાગર ડેરીમાં ઈમેલ કર્યા હતા. અને સ્ટોકની ગણતરી કરતા 15 કિલો વજનના બટરનાં 15 બોક્સ ચોરી થયાનું માલુમ પડયું હતું.

આથી કોલ્ડ સ્ટોરેજના આ વિભાગમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતો જ્યન ઉર્ફે જીગો રજૂજી ઠાકોર (ટીટોદણ, વિજાપુર) કે જે 16મી મેથી લગ્ન પ્રસંગનું કહીને રજા પર ઉતરી ગયો હતો. એના ઘરે જઈને વિષ્ણુભાઈએ પૂછતાંછ કરી હતી. એ વખતે જયને પોતે બટરનાં બોક્સ વેચી માર્યા ની કબૂલાત કરીને પૈસા આપી જવાની બાંહેધરી આપી હતી. જો કે જયન ઠાકોર પૈસા આપવા નહીં આવતાં અને મોબાઈલ પણ બંધ કરી દેતા વિષ્ણુભાઈએ કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...