છેતરપિંડી અંગે ફરિયાદ:મુંદ્રા પોર્ટથી ફર્નિચરનો સામાન અમેરિકા મોકલી આપવાના બહાને 14.50 લાખનું ફુલેકું, મુંદ્રાનાં બે ઈસમો સામે ગુનો દાખલ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફર્નિચર મોકલી આપવાનાં ભાડા પેટે અલગ-અલગ બહાને રૂપિયા પડાવી છેતરપિંડી આચરી
  • ગાંધીનગરના વૃદ્ધે સેક્ટર- 21 પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી

મુંદ્રા પોર્ટથી ફર્નિચરનો સામાન અમેરિકામાં મોકલી આપવાનાં ભાડા પેટે મુંદ્રાની ગંગાવટી લોજિસ્ટીક અને બેન્ચ માર્ક શીપિંગ લોજિસ્ટીકનાં બે ઈસમોએ 14.50 લાખનું ફુલેકું ફેરવ્યું હતું. જેથી ગાંધીનગરના વૃદ્ધે સેક્ટર- 21 પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

ગાંધીનગરના સેક્ટર - 28 માં રહેતા 66 વર્ષીય પ્રકાશભાઈ પટેલનો દિકરો અપૂર્વ અમેરિકામાં તેના પરિવાર સાથે રહે છે. અપૂર્વએ અમેરિકામાં મકાન ખરીદ્યું હોવાથી ઉદેપુરમાં ફર્નિચર બનાવડાવ્યું હતું. જે ફર્નીચર અમેરિકા મોકલી આપવા માટે પ્રકાશભાઈ તેમની રીતે તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન માર્ચ 2021 માં મિત્ર વર્તુળની પાર્ટીમાં ગીતાબા ચૌહાણે મુંદ્રા પોર્ટનાં સુરેન્દ્ર ગંગાસ્વરૂપ કૌશિક (ગંગા સ્વરૂપ લોજિસ્ટીક અશોકવાટિકા શોપ નંબર - 3) સાથે સંપર્ક કરાવી આપ્યો હતો.

બાદમાં સુરેન્દ્રએ 8050 ડોલરનું (રૂ. 6.03 લાખ) કોટેશન મોકલી પુત્ર સાથે વાત થયા મુજબ પ્રકાશભાઈએ ઉદેપુરથી ફર્નિચર મુંદ્રા મોકલી આપ્યું હતું. જે સુરેન્દ્રએ પોર્ટ પરથી છોડાવી લીધું હતું. બાદમાં અપૂર્વએ તા. 22/06/2021 ના રોજ 5.10 લાખ સુરેન્દ્રની કંપનીનાં એકાઉન્ટમાં ટ્રાન્સ્ફર કરી આપ્યા હતા. પરંતુ કોરોના કાળ હોવાનું કહીને કન્ટેનર મળતા નથી અને શીપો આવતી નથી. આથી પ્રકાશભાઈએ વિશ્વાસ રાખ્યો હતો.

ઓગસ્ટ 2021 માં સુરેન્દ્રએ કોરોનાનાં કારણે ભાડા વધી ગયા હોવાનું કહીને બીજું 10 લાખ 12 હજાર 500 નું કોટેશન તેમજ ફર્નિચર રીપેકિંગનાં અલગ પૈસા આપવા પડશે નહીં તો ફર્નિચર પરત લઈ જવાની વાત કરી હતી. આથી અમેરિકાથી અપૂર્વએ 8100 ડોલર એટલે કે સુરેન્દ્રના એકાઉન્ટમાં કુલ 11.17 લાખ ટ્રાન્સ્ફર કરી દીધા પછી પણ ફર્નિચર અમેરિકા મોકલી આપવામાં આવ્યું ન હતું.

પ્રકાશભાઈએ ફર્નિચર પેટે આપેલા પૈસા પરત માંગતા સુરેન્દ્ર તૈયાર થયો હતો અને ફર્નિચર અમેરિકા મોકલી આપવા તૈયારી બતાવી મુંદ્રાની બેન્ચમાર્ક શીપિંગ લોજિસ્ટીક મારફતે ફર્નિચર મોકલી આપ્યું હોવાની વાત કરી હતી. તો બેંચ માર્ક શીપિંગ લોજિસ્ટીકનાં કર્મચારી મયુરભાઈએ ફોન કરીને કહ્યું કે, અમને ભાડું મળ્યું નથી જેથી તમારે ફર્નિચર મોકલી આપવું હોય તો 16 લાખ 59 નું ઈનવોઇસ મોકલી આપો. જેનાં પગલે અંતે પ્રકાશભાઈએ મજબૂર થઈને બેન્ચ માર્કના અમિત માલીનાં ખાતામાં 9 લાખ 36 હજાર ટ્રાન્સ્ફર કર્યા પછી ફર્નિચર અમેરિકા મોકલી આપવામાં આવ્યું હતું. આમ બંને કંપનીના માલિકોએ પ્રકાશ ભાઈ સાથે 14.50 લાખની છેતરપિંડી કરવામાં આવતાં સેક્ટર - 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...