કાર્યવાહી:ઝુંડાલ કેનાલ પર અસામાજિક તત્ત્વોને પકડવા પોલીસની 14 ટીમ કાર્યરત

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ અને આસપાસના રીઢા અને જામીન પર બહાર ફરતા આરોપીઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી

ઝુંડાલ કેનાલ ઉપર પ્રેમાલાપ કરતા પ્રેમી પંખીડામા પ્રેમીને છરીના ઘા અને તેના બે દિવસ બાદ એક પ્રોફેસરને છરી બતાવી લૂંટી લેવામા આવ્યો હતો. આ ઘટનાને લઇને કેનાલ તરફ આવન જાવન કરતા લોકોમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો. ત્યારે આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. જિલ્લા પોલીસના ચૂનંદા કર્મચારીઓને પસંદ કરીને અલગ અલગ 14 ટીમ બનાવી કામગીરી હાથ ધરી છે. જ્યારે અમદાવાદ અને આસપાસના વિસ્તારના રીઢા અને જામીન ઉપર બહાર ફરતા આરોપીઓને પકડી પકડીને પૂછતાસ શરૂ કરાઇ છે.

ઝુંડાલ કેનાલ ઉપર અનેક લોકો દિવસમા પસાર થાય છે. જ્યારે અમદાવાદ તરફથી અનેક પ્રેમી પંખીડા હરવા ફરવા આવતા હોય છે. તેવા સમયે ગત 11મી અને 13મીના રોજ બે ઘટનાઓએ પોલીસની ઉંઘ ઉડાડી નાખી છે. અમદાવાદના વાડજ વિસ્તારના પ્રેમી પંખીડા બેઠા હતા. દરમિયાન પ્રેમીને છરી મારી દીધી હતી, જેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ ઘટનાના બે દિવસ બાદ એક જ મોડસઓપરેન્ડી રાખી પ્રોફેસરને લૂંટી લીધો હતો. આ બનાવથી હાહાકાર મચી ગયો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા 10 દિવસથી આરોપીઓ પોલીસને થાપ આપી રહ્યા છે. ત્યારે પોલીસે આરોપીઓને ઝડપી લેવા જિલ્લા પોલીસની 14 ટીમો બનાવી છે. આસપાસના ગામડામા રહેતા અને શંકાસ્પદ આરોપીઓની પોલીસ દ્વારા પૂછતાસ કરાઇ રહી છે. જ્યારે અમદાવાદમા રહેતા અને જામીન ઉપર છુટેલા આરોપીઓની પણ તપાસ કરવામા આવી રહી છે.

અમદાવાદ ઉપરાંત ગાંધીનગર અને આસપાસના ગામડામા લગાવેલા સીસીટીવી તપાસવામા આવી રહ્યા છે. જોકે, અત્યાર સુધી ઝુંડાલવાળા બંને બનાવને લઇને પોલીસે 2500 કરતા વધારે સીસીટીવી ચેક કરી લીધા છે. તેમ છતા આરોપી હાથ લાગ્યો નથી. પોલીસે અમદાવાદ અને ગાંધીનગર તરફ આવતા રસ્તા ઉપર પણ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...