પ્રાથમિક શિક્ષણ શરૂ:13 હજાર વિદ્યાર્થીએ પહેલી વાર શાળા જોઈ, 760 દિવસ પછી ધોરણ 1થી 5ની સ્કૂલ શરૂ થઈ

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કુમકુમ તિલક સાથે ભણવાનો ભૂલકાંઓનો આનંદ - Divya Bhaskar
કુમકુમ તિલક સાથે ભણવાનો ભૂલકાંઓનો આનંદ
  • સળંગ 2 વર્ષ માસ પ્રમોશનથી પહેલા ધોરણના બાળકોએ સીધા ત્રીજા ધોરણમાં પ્રવેશ મેળવ્યો

ગાંધીનગર કોરોનાથી છેલ્લા 760 દિવસના લાંબા વિરામ બાદ ધો. 1થી 5ના 8000 વિદ્યાર્થી શાળાનું પગથિયું ચડ્યા છે. જ્યારે ધોરણ 1 થી 3ના 13000 વિદ્યાર્થીએ પહેલીવાર સ્કૂલ જોઈ છે. જિલ્લાની સરકારી 592 શાળાના કુલ-74000 વિદ્યાર્થીમાંથી 50 ટકા 37000માંથી 21.62 ટકા વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે શાળામાં હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓની હાજરીથી સુમસામ બનેલા શાળાના ઓરડાઓ વિદ્યાર્થીઓના અવાજથી ગુંજી ઉઠી હતી.

ધોરણ-1થી 5ની શાળાઓમાં પ્રથમ દિવસે 21.62% વિદ્યાર્થીઓ હાજર
વિદ્યાર્થીઓ કોરોનાનો ભોગ બને નહી તે માટે સરકારે શાળાઓને બંધ કરીને ઓનલાઇન શિક્ષણ આપવાની કામગીરી શરૂ કરી હતી. ગત 23મી, માર્ચ-2019ના રોજ શાળા બંધ કર્યા બાદ તબક્કાવાર શાળાઓ વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણ શરૂ કરાયુ હતું. કોરોનાનું સંક્રમણ મંદ પડતા દોઢેક માસના વિરામ બાદ ગત 2જી, સપ્ટેમ્બર-2021ના રોજ ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શૈક્ષણિક કાર્ય શાળાઓમાં શરૂ કર્યું હતું. ત્યારબાદ બે માસના લાંબા વિરામ બાદ એટલે દિવાળી વેકેશન પછી બીજા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે એટલે કે સોમવારે ધોરણ-1થી 5ના વિદ્યાર્થીઓ માટે શાળા ખોલી દેવામાં આવી છે. જોકે હાલમાં ધોરણ-1થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળામાં આવવા મરજિયાતના નિયમની સાથે સાથે વાલીની સમંતિ ફરજિયાત રાખવામાં આવી છે. આથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને ઓનલાઇન અને ઓફલાઇન શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવી રહ્યું છે.

204 ખાનગી શાળા ઓનલાઇન હાજરી ભરતી નથી
જિલ્લાની ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને વિદ્યાર્થીઓની હાજરી ઓનલાઇન ભરવાનો શિક્ષણ વિભાગે નિયમ બનાવ્યો છે. તેમ છતાં જિલ્લાની 204 ખાનગી પ્રાથમિક શાળાના સંચાલકો વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી ભરતા નહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

ધોરણ-1થી 3ના વિદ્યાર્થીઓ રડવા લાગ્યા
ધોરણ-1થી 3ના વિદ્યાર્થીઓએ પ્રથમ વખત શાળાનું પગથિયું ચડ્યા છે. તેમાં ધોરણ-1 અને 2ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળતા ધોરણ-3માં આવી ગયા છે. શાળાસંચાલકોએ બાળકો રડે નહી તે માટે ચોકલેટ આપવાની વ્યવસ્થા કરી હતી.

હજુય વાલીઓ બાળકોને શાળામાં મોકલતા ડરે છે
ધોરણ-1થી 5ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલી દેવાઈ છે. તેમ છતાં હજુય ઘણાં વાલીઓ મંજુરી આપતા નથી. બાળકો માટે કોરોના વિરોધી રસી પણ શોધાઈ નહી હોવાથી પોતાના બાળકોને શાળામાં મોકલવું જોખમ ભરેલું હોવાનું વાલી યશભાઇએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...