કલોલ તાલુકાના ખોરજપરા ગામે જાહેરમાં ચાલતાં જુગાર ધામ ઉપર લોકલ ક્રાઇમ બ્રાંચે ત્રાટકીને મહિલા સહિત 13 જુગારીઓ ને રંગેહાથ ઝડપી પાડી રૂ. 1.97 રોકડા, 12 મોબાઇલ, બે વાહનો મળીને કુલ રૂ. 4 લાખ 14 હજાર 800નો મુદ્દામાલ જપ્ત કરી અન્ય ચાર આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. તો પાંચ મિત્રો ભેગા મળીને અહીં જુગારધામ ચલાવતા હોવાનું પણ એલસીબીની વધુ તપાસમાં બહાર આવ્યું છે.
મંગાજી ઠાકોરનું જુગાર ધામ ધમધમી રહ્યું હતું
ગાંધીનગર જિલ્લાના કલોલ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતિઓએ માઝા મુકતા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાંચનાં ઈન્સ્પેક્ટર એચ પી ઝાલાએ આ વિસ્તારમાં પેટ્રોલીંગ વધારી દઈ દેવાયું છે. જે અન્વયે એલસીબીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ખોરજપરા ગામે ચામુંડા માતાના મંદિર નજીક મંગાજી ઠાકોરનું જુગાર ધામ ધમધમી રહ્યું હોવાની બાતમી મળતાં જ દરોડો પાડવામાં આવ્યો હતો.
13 ઝડપાયા
આ દરોડો પડતાં જ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, અગાઉથી તૈયારી સાથે ગયેલી એલસીબીની ટીમે મંગાજી લાલાજી ઠાકોર (વડાઈ, મહેસાણા), અમિત દિનેશ કુંભાર, નાગેશ જેસંગ ઠાકોર, વિરલ પ્રવિણચંદ્ર ચૌહાણ, પ્રવીણ જેસંગ ઠાકોર, ચંદન જવાનજી ઠાકોર, બાબુ સોમા ઠાકોર, અરુણ રૂપસીંગ ઠાકોર, ધીરું જીવરાજ પટેલ, વસીમ ભિખા કુરેશી, કિરીટ ભિખા પટેલ, અરવિંદ લીલા ઠાકોર અને શોભના દસરથ ઠાકોરને આબાદ રીતે ઝડપી લેવાયા હતા.
આ અંગે મંગાજી ઠાકોરની પૂછતાંછ કરતાં તે તેના મિત્રો રાજુજી ગાભાજી ઠાકોર, જયેશ પરમાર, પ્રહલાદ ગાભાજી ઠાકોર અને પ્રકાશ રામભાઈ કટારીયા સાથે મળીને ઉક્ત જુગાર ધામ ચલાવતો હોવાની કબૂલાત કરી હતી. બાદમાં પોલીસે રૂ. 1 લાખ 96 હજાર 800 રોકડા, મોબાઈલ 12 નંગ, ફોર્ડ ફિગો કાર, એકસેસ મળીને કુલ રૂ. 4 લાખ 18 હજાર 800 નો મુદામાલ જપ્ત કરી કલોલ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.