ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે રાજ્યના તમામ વિસ્તારોમાં સરકારી કાર્યક્રમો ધમધમતા રહે અને લોકોને વિકાસ થઇ રહ્યો છે તેવો અહેસાસ થાય તે માટે રાજ્ય સરકારે 6 મહિના સુધી સતત લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજવાનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે ઓક્ટોબર સુધીના 6 મહિનામાં 12200 કરોડ રૂપિયાના રસ્તાના કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરાશે.
બજેટમાં મંજૂર થયેલા પંચાયત તેમજ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સ્ટેટ હાઇવેના કામો સત્વરે હાથ ધરી દેવામાં આવ્યા છે. જે ચાલું કામો છે તે ઝડપથી પૂરાં કરીને તેનું લોકાર્પણ થાય તેની સૂચના આપવામાં આવી છે. કેબિનેટ બેઠકમાં આગામી ઓક્ટોબર મહિના સુધી દર મહિને રસ્તાના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજવાનું આયોજન નક્કી કરવામાં આવ્યું હતુ.
માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે કુલ 3721 કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરવામાં આવશે. પંચાયત હસ્તકના રસ્તાના 1816 કરોડના ખર્ચના 1587 કામોનું ખાતમુહૂર્ત અને 1036 કરોડના ખર્ચના 1350 કામોનું લોકાર્પણ કરાશે. માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સ્ટેટ હાઇવેના 4189 કરોડના ખર્ચના 358 કામનું ખાતમુહૂર્ત તથા 3798 કરોડના ખર્ચના 371 કામોનું લોકાર્પણ કરાશે. અન્ય 5 રોડના ખાતમુહૂર્ત અને 10 રોડના લોકાર્પણ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.