હોસ્ટેલમાં ચોરી:ગાંધીનગર PDPU કોલેજની હોસ્ટેલમાંથી વિદ્યાર્થીના 11 હજાર રૂપિયા ચોરાયા, પોલીસે તપાસ હાથ ધરી

ગાંધીનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરનાં રાયસણ પીડીપીયુ કોલેજની હોસ્ટેલમાં રહેતાં વિદ્યાર્થીના પર્સમાંથી 11 હજાર રોકડા ચોરાઈ ગયા હતા. હોસ્ટેલના રૂમના કબાટમાં રાખેલ પર્સમાંથી બે વખત ચોરી થવા અંગે વિદ્યાર્થીએ હોસ્ટેલ મેનેજમેન્ટમાં જાણ કરવા છતાં કોઈ પગલાં ભરવામાં નહીં આવતાં આખરે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

ગાંધીનગરના રાયસણની પીડીપીયુ કોલેજની બોયસ હોસ્ટેલમાં રહી જય રસિકલાલ જોશી પેટ્રોલીયમ એન્જીનીયરીંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. જેનાં સાથે રૂમમાં પનગ અગ્રવાલ પણ રહે છે. ગઇ તા.23/9/2022 થી ફાળવેલ હોસ્ટેલના રૂમ નં- કે /109 નાં કબાટનુ લોક કામ કરતુ ન હતુ. જે બાબતે તેણે વોર્ડનને વારંવાર મૌખીક તથા લેખીત રજુઆત કરી હતી.

ત્યારે 31 મી ડિસેમ્બરે પણ લોક અને કબાટ રીપેર કરવા માટે રજૂઆત કરી છતાં કોઈએ ધ્યાન આપ્યું ન હતું.અને ગત તા.8/1/2023 ના રોજ સવારે આશરે આઠ વાગ્યાના સુમારે કબાટમાં રાખેલ પર્સમાં 4 હજાર રોકડા, આધારકાર્ડ, HDFC નુ ડેબીટકાર્ડ તથા બેંક ઓફ મહારાષ્ટ્રનુ ડેબીટકાર્ડ સહિતની વસ્તુઓ મૂકીને જય કોલેજમાં ગયો હતો.

અને રાત્રીના આશરે દશ વાગ્યાના અરસામાં હોસ્ટેલના રૂમમાં પરત ફર્યો હતો. જ્યાં કબાટ ખોલીને જોતા પાકીટ મળી આવ્યું ન હતું. જે અંગે રૂમમેટ તેમજ આસપાસના રૂમ વાળા છોકરાઓને પૂછતાંછ કરતાં પાકીટની કોઈ ભાળ મળી ન હતી. આથી તેણે હોસ્ટેલ મેનેજમેન્ટના આશુતોષભાઇ વ્યાસ તથા ધીરજ શર્માને ઈ-મેઈલથી પાકીટ ચોરી થયાની ફરિયાદ કરી હતી.

તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. એ પછી પણ તેણે કબાટ રીપેર કરવા ફરિયાદ કરી હતી. પણ તેની ફરિયાદનું નિરાકરણ લાવવામાં આવ્યું ન હતું. ત્યારે 15મી માર્ચના રોજ પણ તેના પર્સમાંથી કોઈ જાણભેદુએ રૂ. 7 હજારની ચોરી કરી હતી. એટલે ફરીવાર શૈલેષ ભોલાભાઇ પટેલને તથા અન્ય ઓફીસ કર્મીઓને પણ જાણ કરી હતી.

જેનાં પગલે હોસ્ટેલમાં વોર્ડન હોવા છતાં બે વખત ચોરીની ઘટના બનતાં જયનાં પિતા કોલેજ દોડી આવ્યા હતા. જેમણે વોર્ડન શૈલેષભાઈ પટેલ તેમજ ઓફિસ કર્મચારીઓ ઉપરાંત સિક્યોરિટી મેનેજમેન્ટ ધીરજ શર્માને વાતચીત કરી હતી. પરંતુ કોઈએ સંતોષજનક જવાબ આપ્યો ન હતો. આ સિવાય સિક્યુરીટી મેનેજમેંટના આશુતોષ વ્યાસ તથા ગુણવંતસિંહને રૂબરૂ મળી થયેલ ચોરીઓ વિશે રજૂઆત કરી હતી.

તેઓ તરફથી પણ કોઈ જ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. આખરે વોર્ડનથી માંડીને બધા જવાબદાર અધિકારી કર્મચારીઓ ચોરી બાબતે હાથ અધ્ધર કરી લેતાં કંટાળીને જય જોશીએ ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે બોયસ હોસ્ટેલમાં વોર્ડનથી માંડીને સંબંધિત કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે પણ કોલેજ મેનેજમેન્ટ દ્વારા કડક પગલાં ભરવામાં આવે તેવી વિદ્યાર્થીઓમાં પણ માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...