પાટનગર યોજના વિભાગનાં દરોડા:ગાંધીનગરમાં મંત્રીના PA, સુરક્ષા શાખાના PI સહિત 11 જણે સરકારી આવાસ પેટા ભાડે ચઢાવ્યા!

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સે-6 વીરભગતસિંહ નગરમાં પાયોવિની 10 ટીમ સવારે 7 વાગ્યે ત્રાટકી

પાટનગરમાં સરકારી આવાસો ભાડે આપનારા કર્મચારીઓનાં મકાનોમાં પાટનગર યોજના વિભાગે શુક્રવારે દરોડો પાડ્યો હતો. પાયોવિની 10 જેટલી ટીમ સવારે 7 વાગ્યે જ સેક્ટર-6 ખાતે આવેલા વીર ભગતસિંહ નગરમાં ત્રાટકી હતી. 10 ટીમે 4 કલાક સુધી 500થી વધુ સરકારી આવાસમાં ચેકિંગ કરીને 11 પેટા ભાડુત ઝડપ્યા હતા.

સેક્ટર-6માં ચાલતી ચર્ચા મુજબ પકડાયેલા લોકોમાં એક કૅબિનેટ મંત્રીના પીએ, સીએમ સિક્યુરિટીમાં સુરક્ષા શાખાના પીઆઈનો પણ સમાવેશ થાય છે, જેમાં મંત્રીના પીએએ મિત્રને જ્યારે પીઆઈએ સગાંને મકાન આપ્યું હતું. એક તરફ હજારો સરકારી કર્મચારીઓ મકાન માટે વેઈટિંગમાં છે ત્યારે કેટલાક લોકો આ પ્રકારે મકાનની જરૂરિયાત ન હોવા છતાં મકાન લઈને ભાડે ચઢાવી દે છે. જેને પગલે તંત્ર દ્વારા જરૂરિયાત ન હોય તેવા આવાસો ખાલી કરી દેવા માટે પણ તાકીદ કરી છે. પાટનગર યોજના વિભાગ દ્વારા આગામી સમયે પણ આ પ્રકારે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

4 હજારના વેઈટિંગ વચ્ચે પણ 30 સરકારી આવાલ ખાલી?
સેક્ટર-6 ખાતે આવેલા બી અને સી કક્ષાના 560 આવાસોનું 10 મહિના પહેલાં લોકાર્પણ કરાયું હતું. ત્યાર બાદ એક પછી એક કર્મચારીઓને આવાસો ફાળવવામાં આવ્યા હતા. ત્યારે હજુ પણ અહીં 30 જેટલા આવાસ ખાલી હોવાનું કહેવાય છે. ત્યારે લાંબા વેઈટિંગ વચ્ચે આટલા આવાસ કેમ ખાલી છે તે એક સવાલ છે. ત્યારે મળેલી માહિતી મુજબ આ ખાલી આવાસો મંત્રીઓની ભલામણની રાહ જોતા હોવાનું ચર્ચાય છે.

અન્ય સમાચારો પણ છે...