ગુજરાતમાં પેપર લીકની ભરતી:9 વર્ષમાં 10મું પેપર ફૂટ્યું; હેડ ક્લાર્કની પરીક્ષા ફરી લેવાશે, આજે સરકાર પેપર લીકનો ખુલાસો કરશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 8માંથી 5 આરોપીની ધરપકડ, પાસા સહિતની આકરી કલમો લગાવાશે

ગુજરાત સરકાર શુક્રવારે હેડ ક્લાર્કની ભરતીનું પેપર ફૂટી ગયાંની જાહેરાત કરશે. આ સાથે આ ભરતી પરિક્ષા રદ્દ થયેલી જાહેર કરાઇને નવી તારીખોની જાહેરાત ટૂંકમાં થશે તેવી ઘોષણા પણ કરશે. ગુજરાત સરકારના સૂત્રોએ જણાવ્યું કે સરકારને પહેલાં જ દિવસે આ બાબતની ગંધ આવી ગઇ હતી, પરંતુ પેપર ફોડનારાં તત્ત્વો ભૂગર્ભમાં ઉતરી ન જાય તે માટે આ બાબત ગુપ્ત રખાઇ હતી. પોલીસે મુખ્ય સુત્રધાર જયેશ પટેલ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

આસિત વોરાએ પોલીસને અરજી કરી
રાજ્યમાં છેલ્લા 9 વર્ષમાં ભરતીની 10મી પરીક્ષાનું પેપર લીક થયું હતું. આ તરફ ભરતી કરનારાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આસિત વોરાના પગ તળે રેલો આવતાં હવે પોલીસને પેપર લીક મામલે અરજી કરી છે. અત્યાર સુધી પેપર લીકનો ઇન્કાર કરનારા અને ફરિયાદ મળશે તો જ પગલા ભરાશે તેવું કહેનારાં વોરાએ સાબરકાંઠા પોલિસને ઇમેઇલ કરી જાણ કરી છે. આપના નેતા યુવરાજ જાડેજાએ આ મામલો બહાર લાવવાના પ્રયત્નો કર્યાં હતાં અને ગૌણ સેવા મંડળને પેપર લીક થયાંની જાણકારી આપી હતી છતાં તેને મંડળે અવગણ્યો હતો.

ગૃહ રાજ્યમંત્રીએ મામલા અંગે નોંધ લીધી
બુધવારે જાડેજાએ આ અંગેના પૂરાવા આપીને સરકાર બે દિવસમાં પેપર લીક થયેલું જાહેર કરી પગલાં લે નહીંતર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપતાં હવે સરકાર પણ હરકતમાં આવી છે. આ મામલાને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ખૂબ સાવચેતીથી લીધો હતો અને બે દિવસથી મિટીંગોનો દોર શરૂ કરી દીધો હતો.

આરોપીઓ સામે કડક પગલાં લેવાશે
રાજ્ય સરકારના સૂત્રો જણાવે છે કે આ મામલામાં મુખ્ય સૂત્રધાર એવાં આઠ પૈકી પાંચને પોલિસે પકડી પાડ્યાં છે અને બાકીના ઘણાં લોકોની શોધખોળ ચાલું છે. આ લોકો પકડાઇ જાય તે પછી તેમના ઉપર પાસાથી લઇને અન્ય ઘણી કડકમાં કડક કલમો લગાવાઇ શકે છે.

આરોપીઓએ સબ ઓડિટર અને સ્ટાફ નર્સની ભરતીના પેપર ફોડ્યા હતા
આ કૌભાંડના મુખ્ય સૂત્રધારો જયેશ તથા અન્ય આરોપી કેતને આ પરિક્ષાર્થીઓને જણાવ્યું કે તેમણે અગાઉ સરકારી ભરતીમાં સબ ઓડિટર અને સ્ટાફ નર્સની ભરતીમાં પેપર ફોડ્યાં અને તે મેળવનારાંઓને નોકરી મળી ગઇ છે.