ગાંધીનગરના પુંદ્રાસણમાં વિદ્યુતનગર ટાઉનશીપનાં નામે પ્લોટની સ્કીમ મૂકી પાંચ વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરી દેવાની ખાત્રી આપી ઈક્કો-કલોલ યુનિટનાં ચીફ ઓફિસર પાસેથી રૂ.10.91 લાખ બિલ્ડર દ્વારા એઠી લઈ હાથ અધ્ધર કરી લેવામાં આવ્યા હતા. જે મામલે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ કોર્ટ દ્વારા ચીફ ઓફિસરને રૂ. 10.91 લાખ નવ ટકા વ્યાજે ચૂકવી આપી માનસિક ત્રાસ પેટે અલગથી રૂ. 50 હજાર ચુકવી આપવા માટે બિલ્ડરને હુકમ કરવામાં આવ્યો છે.
કલોલ કસ્તુરીનગર રહેતા ઈક્કો-કલોલ યુનિટનાં ચીફ ઓફિસર સતિષ અમૃતલાલ ત્રિવેદીએ ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરેલી કે, કેશરીસિંહ શિવસિંહ ચૌહાણે (રહે. પ્લોટ નં: 96, ઊર્જાનગર ટાઉનશીપ વિભાગ-2, પ્રતિક મોલની પાછળ, કુડાસણ) પુંદ્રાસણ ગામની સીમમાં માર્ચ-2011 માં વિદ્યુતનગર ટાઉનશીપ બનાવવા માટેનું પેમ્ફલેટ છપાવ્યું હતું. આ પેમ્ફલેટમાં 140 અને 200 વારના એન.એ., એન.ઓ.સી. અને ટાઈટલ ક્લીયર પ્લોટ આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જેથી પેમ્ફલેટ વાંચીને સતીષ ત્રિવેદીએ પ્લોટ બુક કરાવવા માટે કેશરીસિંહનો સંપર્ક કર્યો હતો. ત્યારે કેશરીસિંહે એન.એ., એન.ઓ.સી. ટાઈટલ ક્લીયર કરી આપી પ્લોટની સાથે મંદિર, શાળા, 24×7 સિક્યુરીટી સર્વિસ, લેન્ડસ્કેપ ગાર્ડન, સિનિયર સિટીઝન એરીયા, ચિલ્ડ્રન પાર્ક, જીમ્નેશિયમ, હોસ્પિટલ, સ્પોર્ટ્સની સવલતો, જોગિંગ ટ્રેક, સ્વીમીંગ પૂલ તેમજ વધારામાં ટાઉનશીપના ફરતે કમ્પાઉન્ડ વોલ, રોડ, અંડરગ્રાઉન્ડ લાઈટ, સ્ટ્રીટલાઈટ, કોમનપ્લોટ,પાણીની સુવિધા, બોર-ઓવરહેડ ટાંકી વિગેરેની સવલતોનો પણ કિંમતમાં સમાવેશ થઈ ગઈ હોવાનું જણાવી આ પ્રોજેક્ટ પાંચ વર્ષમાં પૂર્ણ કરી દેવાની ખાત્રી આપી આપી હતી.
બાદમાં સતીષભાઈએ તા. 20/03/2011 ના રોજ 11 હજાર સભ્ય ફી ચૂકવી 200 વારનો પ્લોટ બુક કરાવ્યો હતો. ત્યારબાદ અડધી રકમ રોકડમાં અને અડધી રકમ ચેકમાં એમ કુલ રૂ.10,91,000 સમયાંતરે ચૂકવી પણ દીધા હતા. ત્યારે કેશરીસિંહે અશોક ભવાનભાઈ પટેલ અને પ્રવિણભાઈ ભિખાભાઈ પાનસુરીયાએ અંદરો અંદર કરાર કરી જમીન સંપાદન કરી આપવાનું સ્વીકાર્યું હતું. જે પછી કેશરીસિંહ અને પ્રવીણભાઈએ સંયુક્ત રીતે તા.3/4/2012 ના રોજ પ્રોવિઝનલ એલોટમેન્ટ લેટર આપી સતીષભાઈને વિશ્વાસ આપેલ કે જમીન ખરીદીમાં વધુ સમય જાય તેમ હોવાથી જમીનની ખરીદી કેશરીસિંહ, કુલદીપસિંહ કેશરીસિંહ ચૌહાણ, સ્વરૂપાબેન કેશરીસિંહ ચૌહાણ, અશોક પટેલ અને કેયૂર અશોકભાઈ પટેલનાં નામે કરવામાં આવી છે. જે પૈકી 75 ટકા જમીન ખરીદાઈ ગઈ છે અને 25 ટકા જમીનના બાનાખત થઈ ચૂક્યા હોવાની પણ વાત કરી હતી.
જે અન્વયે સતીષભાઈને પ્લોટના પૈસાની ચૂકવણી માટે લોન લેવાની જરૂર પડતાં કેશરીસિંહે અરજીમાં સહી સિક્કા કરી આપ્યા હતા. જો કે સ્કીમ પ્રમાણે પ્લોટ મળ્યો ન હતો. અને કેશરીસિંહે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. જેનાં કારણે સતીષભાઈ અન્ય પ્રોપર્ટી ખરીદી કરી શક્યાં ન હતાં. અને ભાડે મકાન રાખીને રહેવાનો વખત આવ્યો હતો. જે ભાડા પેટે દસ લાખ ખર્ચ થયો હતો. આખરે સતીષ ભાઈએ ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં વળતર માટે ફરિયાદ દાખલ કરી હતી.
જે કેસ ચાલી જતાં કન્ઝ્યુમર કોર્ટના અધ્યક્ષ ડી ટી સોનીએ દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈને કેશરીસિંહ ચૌહાણ તેમના પત્ની સ્વરૂપબા અને પુત્ર કુલદીપસિંહને સંયુક્ત - વિભક્ત રીતે રૂ. 10.91 લાખ તા. 9/2/2016થી 9 ટકા વ્યાજે ચૂકવવા તેમજ ફરિયાદ ખર્ચના 15 હજાર ઉપરાંત માનસિક યાતના પેટે રૂ. 50 હજાર સતીષભાઈ ત્રિવેદીને ચૂકવી આપવા માટે હુકમ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.