રસી ક્યારે લેશો?:108307 લોકો રસીનો બીજો ડોઝ લીધા વગર ફરે છે

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર જિલ્લા આરોગ્ય વિભાગના 2 કર્મચારીએ 1 મહિના કરતાં વધુ સમયમાં કોવિડ પોર્ટલ પરથી નામ-સરનામાંની યાદી બનાવી

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રસીનો પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવા માટે લોકોમાં નીરસતા જોવા મળી છે. પહેલો ડોઝ લીધાને 2થી 4 સપ્તાહ થવા છતાં 108307 લોકોએ બીજો ડોઝ લીધો નથી. આથી જિલ્લા આરોગ્ય તંત્રે ડોર-ટુ-ડોર સરવે શરૂ કરીને રસીના બંને ડોઝ આપવાનું અભિયાન હાથ ધર્યું છે. કોરોનાની બીજી લહેર બાદ લોકોમાં રસી લેવા માટે દોડધામ મચી હતી, જેને પરિણામે રસી કેન્દ્રો પર સવારથી જ લાઇન લાગતી હતી.

આથી જિલ્લાનાં 286 ગામોની 18 વર્ષથી વધુ વયના 802810 લોકોની સામે અત્યાર સુધીમાં 818518 લોકોએ પહેલો જ્યારે 543652 લોકોએ બીજો ડોઝ લીધો છે. આ સાથે કુલ 1362170 લોકોએ રસી લીધી છે. જોકે કોરોનાની બીજી લહેરના 2 માસ બાદ સંક્રમણ મંદ પડતાં જ પહેલો ડોઝ લીધાને 84 દિવસ થવા છતાં લોકોમાં બીજો ડોઝ લેવામાં નીરસતા જોવા મળી છે. આથી બંને ડોઝની કામગીરી 100 ટકા કરવાની રાજ્યના આરોગ્ય વિભાગના આદેશથી કામગીરી હાથ ધરી હતી.

જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌત્તમની સૂચના અને જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ. એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લા રસીકરણ અધિકારી ડૉ. હરેશ નાયકે ડોર-ટુ-ડોર સરવે કરીને ઘરે ઘરે બીજો ડોઝ આપવાનું અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ બુધવારે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. તેની સામે જિલ્લાના મનપા અને ગ્રામ્ય વિસ્તારમાંથી કુલ 9110 લોકોએ રસી લીધી છે.

ડોર-ટુ-ડોર રસીકરણમાં 22501ને રસી અપાઈ
આરોગ્ય વિભાગની 200 ટીમે ડોર-ટુ-ડોર સરવેમાં અત્યાર સુધીમાં 3814 લોકોને પહેલો અને 18687 લોકોને બીજો ડોઝ આપ્યો છે.

બીજો ડોઝ ન લેનારા લોકોની યાદી પોર્ટલ ઉપરથી નીકાળી
પહેલો ડોઝ લીધાને 84થી વધુ દિવસ થવા છતાં બીજો ડોઝ ન લેનારા લોકોની માહિતી મેળવવા કવાયત કરાઈ હતી. બીજો ડોઝ ન લેનારા લોકોનાં નામ-સરનામાંના આધારે કોવિડ વેક્સિનના પોર્ટલ ઉપરથી જિલ્લા આરોગ્ય તંત્રના 2 કર્મચારીએ 1 માસ કરતાં વધુ સમય બાદ માહિતી શોધી હતી.

75 ગામમાં આજથી 3 દિવસ ડોર-ટુ-ડોર રસીકરણ
આત્મનિર્ભર ગ્રામ યાત્રા અંતર્ગત 18મીથી 20મી, એમ 3 દિવસ સુધી જિલ્લાનાં 75 ગામોમાં ડોર-ટુ-ડોર રસીકરણ માટે આરોગ્યની 75 ટીમ અને 75 સુપરવાઇઝરની નિમણૂક કરાઈ છે.

1થી 4 સપ્તાહના 08307 એ બીજો ડોઝ લીધો નથી
818518 લોકોએ પહેલો ડોઝ લીધો છે, તેમાંથી 1થી 4 સપ્તાહ થવા છતાં 108307 લોકોએ બીજો ડોઝ લીધો નથી. તેમાં 1થી 2 સપ્તાહવાળા 73922 અને 2થી 4 સપ્તાહવાળા 34385 લોકો છે.

અન્ય સમાચારો પણ છે...