ઉત્તરાયણમા પતંગ રસિકો ચાઇનીઝ દોરીનો ભરપુર ઉપયોગ કરતા હોય છે. ત્યારે પોલીસ દ્વારા તમામ કામ પડતા મુકી ચાઇનીઝ દોરી પકડવા કામગીરી કરવામા આવી રહી છે. ત્યારે અડાલજ પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ જગ્યાએથી ચાઇનીઝ દોરીની 101 ફીરકી પકડી આરોપીઓ સામે જાહેરનામાભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જોકે, શહેરના બુદ્ધિજીવી વર્ગમા એક ચર્ચા ચાલી રહી છેકે, પોલીસ ઉત્પાદકો સુધી કેમ પહોંચી શકતી નથી.
મળતી માહિતી મુજબ અડાલજ પોલીસ મથક વિસ્તારમા ચાઇનીઝ દોરીને લઇ ચેકીંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને અલગ અલગ ત્રણ જગ્યાએથી બાતમી મળી હતી, જેથી બાતમી મુજબના સ્થળ ઉપર પહોંચી તપાસ કરવામા આવતા ચાઇનીઝ દોરી મળી આવી હતી. જેમા ગાંધીનગરમા સમાવાયેલા અમિયાપુર ગામના પાટીયા પાસે એક યુવક ભાવિક રાજેશ ઠાકોર (રહે, અમિયાપુર ગામ, ચામુંડાવાસ) પાસેથી 8 ફીરકી કિંમત 2400 મળી આવી હતી.
શેરથા ગામમા રેઇડ કરતા આરોપી છગનજી ખોડાજી ઠાકોરના ઘરમાંથી ચાઇનીઝ દોરીની 85 ફીરકી કિંમત 17 હજાર મળી આવી હતી. પોલીસે તેની સામે જાહેરનામાભંગનો ગુનો નોંધ્યો હતો. જ્યારે આરોપી ઘરે મળી આવ્યો ન હતો. તેની સામે પણ ગુનો નોંધવામા આવ્યો હતો. જ્યારે અડાલજના બાલાપીર સર્કલ તરફી ગામ તરફ થતા યુવક અજય ગોવિંદ પટ્ટણી (રહે, નારણપુરાની ચાલી,સરસપુર, અમદાવાદ) પાસેથી 8 ફીરકી કિંમત 2400 મળી આવતા તેની સામે ગુનો નોંધવામા આવ્યો હતો. ઉલ્લેખનિય છેકે, ચાઇનીઝ દોરી રાખનાર અને વેચનાર સામે જાહેરનામાભંગનો ગુનો નોંધવામા આવે છે. જેમા માત્ર એક મહિનાની સાદી કેદની સજાની જોગવાઇ છે.
તે ઉપરાંત પોલીસ દારુ પકડે તો વેચનાર સુધી પહોંચી જાય છે. પરંતુ ચાઇનીઝ દોરી પકડાય તો તેના વિક્રેતા અને ઉત્પાદકો સુધી કેમ પહોંચી શકતી નથી. પતંગ રસિકો દ્વારા ચાઇનીઝ દોરીનો બહિષ્કાર કરવામા આવે તો આપો આપ દોરીનુ ઉત્પાદન બંધ થઇ શકે છે. ત્યારે કોઇનો જીવ બચાવવા પણ પતંગ રસિકોએ બહિષ્કાર કરવો જોઇએ તેવી લોકમુખે ચર્ચા થઇ રહી છે. ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો વેપાર કરતા વેપારીઓ અને તેનું ઉત્પાદન કરતાં ઉત્પાદકોનો રાફડો ફાટી નીકળે છે.
ચાઇનીઝ દોરીથી રાજ્યમાં અનેક લોકોના જીવ ગયા હોવાથી આ દોરીના વેચાણ કરવા તથા ઉત્પાદન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે કેટલાક વેપારીઓ દ્વારા થોડો નફો રળવા માટે ચાઇનીઝ દોરીનું ચોરીછૂપીથી વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ પણ હવે ચાઇનીઝ દોરીનો વેપાર કરતાં તત્ત્વો સામે કાર્યવાહી કરી રહી છે.
પરંતુ આ માટેના કાયદામાં કોઇ દમ ન હોવાથી ચાઈનીઝ દોરી વેચતા ઝડપાયેલા લોકો આશાનીથી છૂટી જાય છે. જેથી સરકારે ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉત્પાદન પર કડક કાયદો બનાવવો જોઇએ જેથી તેનું વેચાણ કરનારા લોકોને સજા ફટકારી શકાય તેવી માગ ઉઠી છે. ચાઇનીઝ દોરીથી તાજેતરમાં જ વડોદરામાં જ એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં અનેક યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે ચાઇનીઝ દોરી સામે ઝૂંબેશ કરવા માટે પણ હાઇકોર્ટે પણ નીર્દેશ આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.