રેકડીઓના દબાણની યાદી:પાટનગરનાં 20 સ્થળે નોન વેજ-ઈંડાંની 100 રેકડીએ સરકારી જમીન પચાવી પાડી

ગાંધીનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગાંધીનગરમાં જાહેર રસ્તા પર ઊભી રહેલી નોન વેજ અને ઈંડાંની રેકડીઓનો સરવે કરવાની વાતો વચ્ચે પૂર્વ કોર્પોરેટર પ્રણવ પટેલે મૅયર અને મ્યુનિસિપલ કમિશનરને રેકડીઓના દબાણની યાદી જ આપી દીધી
 • સચિવાલય, મીના બજાર, મનપા કચેરીથી શાહપુર સર્કલ સુધી રેકડીઓનું દબાણ

રાજ્યમાં જાહેર રસ્તા પર ઊભી રહેતી ઈંડાં અને નોન વેજની રેકડીઓ મુદ્દે ચાલતો વિવાદ હવે પાટનગરમાં પણ શરૂ થયો છે. પૂર્વ કોર્પોરેટર પ્રવણ પટેલે મૅયર હિતેષ મકવાણા અને મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલને આ મુદ્દે લેખિત રજૂઆત કરી છે, જેમાં નોન વેજ અને ઈંડાંની રેકડીઓ દ્વારા સરકારી જમીનમાં થયેલાં દબાણોથી નાગરિકોને પડતી હાલાકી દૂર કરવા માંગણી કરાઈ છે. તેમણે રજૂઆત કરી છે કે પાટનગરમાં નોન વેજ અને ઈંડાંની રેકડીઓ સતત વધી રહી છે. ફૂટપાથ અને મહત્ત્વની ખુલ્લી જગ્યાઓ પર રેકડીઓનાં દબાણના કારણે જાહેર માર્ગો પર ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ઊભી થાય છે.

સેક્ટર-11માં મનપા કચેરીથી લઈને સચિવાલય, મીનાબજાર, સેક્ટર-21 અને શાહપુર સર્કલ સુધી આ દૂષણ ફેલાયેલું છે. કોર્પોરેશન વિસ્તારમાં 20 જેટલાં સ્થળે નોન વેજ અને ઈંડાંની 100 જેટલી હાટડીઓએ સરકારી જમીન પચાવી પાડી છે. નાગરિકોને સલામત સામાજિક વાતાવરણ પૂરૂં પાડવા માટે મુખ્ય સર્કલો તથા ફૂટપાથ પર સર્જાયેલાં દબાણો દૂર કરવા માંગણી કરાઈ છે.

મીના બજારમાં દારૂની મહેફિલો જામે છે!
શહેરમાં ઈંડાં-નોન વેજની રેકડીઓ પર રાત્રે કેટલાંક અસામાજિક તત્ત્વો ભેગાં થતાં હોવાથી આવા વિસ્તારમાંથી મહિલા-બાળકોને પસાર થવાનું મુશ્કેલ થઈ જાય છે. નોન વેજ કે ઈંડાંની લારીઓ પર વઘારમાં વપરાતા મસાલાઓની તીવ્ર ગંધ અસ્થમાના દર્દીઓ માટે જોખમરૂપ છે. ઉપરાંત લારીની નજીકથી પસાર થતા વાહનચાલકો-રાહદારીઓને પણ મસાલાની તીવ્રતાના કારણે આંખમાં બળતરા થાય છે. જૂના સચિવાલય મીના બજાર ખાતે તો રાત પડતાં જ ગાડીઓમાં દારૂની મહેફિલો જામતી હોવાની ફરિયાદો અનેક વાર ઊઠી છે. અહીં પીધેલા લોકો છાશવારે છાકટા બનીને ધમાલ પણ કરતાં હોય છે. ત્યારે આવાં તત્ત્વો સામે પગલાં લેવા જરૂરી બની ગયું છે.

વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા રજૂઆત
આ તરફ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા પણ મૅયરને નોન વેજની રેકડીઓ મુદ્દે લેખિત રજૂઆત કરાઈ છે. અમદાવાદમાં લેવાયેલા નિર્ણયની જેમ જ ગાંધીનગરમાં પણ જાહેર માર્ગો પર રહેલી ઈંડાં, માંસ, મચ્છીની લારીઓ દૂર કરવા માંગ કરાઈ છે.

ઈંડાં-નોન વેજની દબાણકર્તા હાટડીઓ ક્યાં ચાલે છે?

 • સેક્ટર 21 કાર્મેલ સ્કૂલની સામે જ નોન વેજના મોટા તવા અને 10 જેટલી રેકડી મોડી રાત સુધી ધમધમે છે.
 • સેક્ટર 30 સર્કલની બાજુમાં સરકારી જગ્યા, સેક્ટર-30ના પુલની બંને બાજુ સરકારી જમીન માછલી-માંસની રેકડીઓ છે.
 • ઘ 7 પ્રેસ સર્કલની સામે સરકારી જગ્યામાં મોટું મેદાન.
 • સેક્ટર 28 ગાર્ડનના પાર્કિંગ અને મેઈન રોડ પર.
 • પથિકાશ્રમ ડેપો અને કોર્પોરેશનની પાછળ સરકારી જગ્યામાં.
 • ચ-2, ઘ-2 સર્કલની આજુબાજુની સરકારી જગ્યામાં.
 • મીના બજારની ચીપ ટાઈપ શોપિંગ નજીક તથા સરકારી જગ્યામાં.
 • સેક્ટર-5 મેઈન રોડ સીએનજી પંપની બાજુમાં.
 • સેક્ટર-29 ચ-6થી ઘ-6 રોડ સરકારી જગ્યામાં.
 • ઘ-5 ચોપાટીની ચારે તરફ નોન વેજ-ઈંડાંની રેકડીનાં દબાણો.
 • ઘ-3 પેટ્રોલપંપની બાજુમાં સરકારી જગ્યામાં.
 • સેક્ટર-11 પેટ્રોલ પંપની સામે તથા સે-11ના પાર્કિંગની જગ્યામાં.
 • ઈન્ફોસિટી ચોકડી રોડની બંને બાજુ સરકારી જમીન, ફૂટપાથ પર.
 • શાહપુર સર્કલની ચારેબાજુ.
 • ચ-0થી શાહપુર જતા ફનવર્લ્ડ તથા ધોળાકૂવા તરફ જતાે સર્વિસ રોડ
 • ઘ-0થી સરગાસણ-સરગાસણથી ચોકડી-શાહપુર સર્કલ સુધી.
અન્ય સમાચારો પણ છે...