જર, જમીન અને જોરુ ત્રણેય કજિયાના છોરુ ગુજરાતી કહેવત હાલના સમયમાં સાચી પડી રહી છે. ચિલોડા નરોડા હાઇવે ઉપર લીંબડીયામાં આવેલા પંચવટી ફાર્મમાં જમીનની માપણીની માથાકૂટમાં જમીન માલિક ઉપર 100 જેટલા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. કાળા પેન્ટ શર્ટ પહેરીને આવેલા હુમલાખોરોમાં યુવક અને યુવતીઓનો સમાવેશ થતો હતો. જેને લઇ ડભોડા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ જયકૃષ્ણ રમેશભાઇ પટેલ (રહે, લીંબડીયા પંચવટી ફાર્મ)એ ફરિયાદ નોંધાવી હતી કે, ખાતે સંયુક્ત માલિકીની જમીનમાં વસવાટ કરે છે. જમીન મનુભાઇ કાંતિભાઇ, કનુભાઇ કાંતિભાઇ, રમેશભાઇ કાંતિભાઇ, દિલીપભાઇ કાંતિભાઇ અને સુરેશભાઇ કાંતિભાઇ સંયુક્ત માલિકી ધરાવે છે. જેમાં સર્વે નંબર 143માં પ્રમોગેશન પછી જાણ બહાર વિભાજન કરાયુ હતુ. જે બાબતે ડીએલઆર કચેરીમાં વાંધા અરજી કરવામાં આવી છે. પરિણામે 2 માર્ચે બપોરના અઢી વાગ્યાના અરસામાં પોલીસ સાથે કેટલાક લોકો ફાર્મ ઉપર ગાડીઓ લઇને પહોંચ્યા હતા.
જેમાં સંજય શાહ, રાજુ ભટ્ટ અને અન્ય 20 જેટલા લોકો હતો. તેમણે સર્વે નંબર 201ની માપણી કરવાનુ કહ્યુ હતુ. પરંતુ સેઢા પાડોશી તરીકે જયકૃષ્ણભાઇને જાણ નહિ કરવામાં આવી હોવાથી તેમણે માપણી બંધ રખાવી હતી. બાદમાં બપોરના સમયે પંચવટી ફાર્મના દરવાજા પાસેના નવા બ્લોક નંબર 206 પાસે કેટલાક લોકો તારની ફેન્સીંગ તોડતા હતા. જેથી દિકરો સત્યમ, પત્નિ ફાલ્ગુનીબેન ત્યાં પહોંચ્યા હતા. જ્યાં રોડ ઉપર દસેક જેટલી ગાડીઓ જોવા મળી હતી. જેનો મોબાઇલમાં વિડીયો બનાવતા 100 જેટલા લોકોમાંથી 25 જેટલા લોકો સફેદ અને કાળા પેન્ટ શર્ટમાં નજીક ગયા હતા અને મોબાઇલ લઇને પછાડી તોડી નાખ્યો હતો.
હાજર લોકોમાં કેટલાક હાથમાં તલવાર લઇને આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, તું અહિ કેમ આવ્યો છે કહી હુમલો કર્યો હતો. જેમાં માથામાં હથિયારથી હુમલો કરતા લોહી નિકળ્યુ હતુ અને ગડદાપાટુનો મારમારવામાં આવ્યો હતો. જેથી બચવા માટે દોડવા લાગતા 6 લોકો પાછળ પડ્યા હતા. જ્યારે તેમની પત્નિને બિભત્સ ગાળો બોલી હતી અને કહેતા હતા કેપ આજે તો તારા પતિને જીવતો નથી મુકવાનો. આ બધી જમીન અમારી કરીને રહીશુ તેવી ધમકીઓ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.