વાવાઝોડાનો સરવે:તાઉ-તે વાવાઝોડામાં અસરગ્રસ્ત સવા બે લાખ લોકોને 10 કરોડ કેશડોલ્સ અને 15 હજાર પરિવારોને ઘરવખરી સહાય ચુકવાઈ

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • રાજ્યમાં 10 હજાર 447 ગામોમાંથી 9900 થી વધુ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત-450 ગામોમાં કામગીરી ચાલુ.
  • નાળિયેરી-આંબા-લીંબુ જેવા બાગાયતી પાકના અંદાજે 16.42 લાખ વૃક્ષોને નુકશાન થયાનો અંદાજ.
  • 1 લાખ 16 હજાર વીજ થાંભલાઓ - 4801 ખેતીવાડી વીજ ફિડરોને અસર-3547 પર વીજપુરવઠો પૂન: પ્રસ્થાપિત કરી દેવાયો.

રાજ્યમાં ‘તાઉતે’ વાવાઝોડાને પરિણામે સૌરાષ્ટ્ર સહિતના સમુદ્રકાંઠા વિસ્તારમાં થયેલા નુકશાનના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ તિવ્ર વાવાઝોડાને પરિણામે માર્ગો, વીજળી, ખેતીવાડી ક્ષેત્રમાં જે નુકશાન થયું છે. ત્યાં રિસ્ટોરેશનની કાર્યવાહી પણ શરૂ થઇ ગઇ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રિસ્ટોરેશન અને રાહત કામો રાજ્ય સરકારના વિવિધ વિભાગોએ શરૂ કર્યા છે. હવે, રાજ્યમાં તમામ ગામો-રસ્તાઓ પૂર્વવત થયા છે અને કોઇ ગામ ડિસકનેકટેડ રહ્યું નથી. માર્ગ-મકાન વિભાગે માત્ર 3 જ દિવસમાં માર્ગો પરની આડશો દૂર કરી રસ્તાઓ ચોખ્ખા અને વાહન વ્યવહાર યોગ્ય બનાવ્યા છે.

10 હજાર 447 ગામોમાં વીજ પુરવઠાને અસર
મુખ્યમંત્રી રૂપાણીએ પત્રકારોને જણાવ્યું કે, આ વાવાઝોડાની સૌથી વ્યાપક અસર વીજ ક્ષેત્રને થઇ છે. વીજ થાંભલાઓ, વાયર, વીજ સબસ્ટેશનોને થયેલા નુકશાનને પરિણામે રાજ્યમાં 10 હજાર 447 ગામોમાં વીજ પુરવઠાને અસર પડી હતી. આ ગામોમાંથી લગભગ બધા ગામોમાં વીજપુરવઠો શરૂ કરી દેવાયો છે. માત્ર 450 ગામોમાં વીજપુરવઠો હવે શરૂ કરવાની કામગીરી હાથ ધરાઇ રહી છે.માત્ર અમરેલી જિલ્લામાં 600થી વધુ ટીમ વીજળી પુરવઠો પૂર્વવત કરવા કાર્યરત છે.

15 હજાર જેટલા પરિવારોને ઘરવખરી સહાય
તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં મોટા નગરોમાં હવે માત્ર જાફરાબાદ નગરમાં વીજપુરવઠો શરૂ થવાનો બાકી છે તે પણ શરૂ કરી દેવાશે. તેમણે જણાવ્યું કે, સવા બે લાખ લોકોને 10 કરોડ રૂપિયા જેટલી કેશડોલ્સ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચૂકવી છે. 15 હજાર જેટલા પરિવારોને પરિવાર દિઠ 7 હજારની ઘરવખરી સહાય અપાઇ છે. આ કામગીરી પણ આગામી રવિવાર સુધીમાં પુર્ણ થઇ જશે. રૂપાણીએ મકાનોને સંપૂર્ણ નાશ, અંશત: નુકશાન કે 33 ટકાથી વધુ નુકશાન માટે અને ઝૂંપડાને થયેલા નુકશાન માટે રાજ્ય સરકારે અગાઉ જાહેર કર્યા પ્રમાણે અનુક્રમે 95 હજાર 100, રપ હજાર અને 10 હજાર સહાય ચુકવવાની કામગીરી પણ શરૂ થઇ છે.

મત્સ્ય ઉદ્યોગને પણ સહાય આપવામાં આવશે
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કહ્યું કે, આ તાઉતે વાવાઝોડાને કારણે નુક્સાન પામેલા કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓ, અંશત: નુકસાન પામેલા કાચા મકાનો વગેરે અંગેનો સર્વે અસરગ્રસ્ત વિસ્તારોમાં હાથ ધરવામાં આવી રહ્યો છે અને જેમ જેમ અસરગ્રસ્ત વિસ્તારોની વિગતો આવે છે તેમ તેમ સહાયની ચૂકવણી પણ શરૂ કરી દેવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે થઇ ગયા બાદ બાગાયતી પાકને થયેલા નુક્સાન માટેના જરૂરિયાત મુજબના પેકેજની જાહેરાત પણ રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લઇને કરશે. મત્સ્ય ઉદ્યોગને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તેમાં પણ રાજ્ય સરકાર દ્વારા યોગ્ય સહાય આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...