તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારનો નિર્ણય:પ્રોપર્ટી ટેક્સમાં 100% મુક્તિ પણ હોટેલ-રેસ્ટોરાં સંચાલકોને રાહત 50%

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિલકત વેરામાં 1 વર્ષની છૂટ આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય મકાનમાલિકો માટે ફાયદાકારક

હોટેલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વૉટર પાર્ક્સને 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધીના 1 વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપી છે. આ સાથે વીજબિલમાં ફિક્સ્ડ ચાર્જમાંથી પણ મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેટલો જ ચાર્જ વસૂલવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ગાંધીનગર જિલ્લામાં અંદાજે 300થી વધુ હોટેલ-રેસ્ટોરાં આવેલાં છે ત્યારે જો પ્રોપર્ટી ટેક્સમાં છૂટની વાત કરીએ તો સામાન્ય રીતે પ્રોપર્ટી ટેક્સ મિલકત ધારકો ભરતા હોય છે.

ગાંધીનગરમાં અંદાજે 80 ટકાથી વધુ હોટેલ ભાડા પર ચાલે છે એટલે કે પ્રોપર્ટી ટેક્સમાં અપાયેલી રાહતનો આમ જોવા જઈએ તો હોટેલ સંચાલકોને સીધો કોઈ ફાયદો નહીં થાય. પ્રોપર્ટી ટેક્સની રકમ સામાન્ય રીતે હોટેલ-રેસ્ટોરાંના વેપારમાં બહુ સામાન્ય રકમ ગણાય છે, જેમાં નાની જગ્યામાં ચાલતા વેપારમાં પ્રોપર્ટી ટેક્સ બહુ હોતો નથી. વિશાળ જગ્યાઓમાં ચાલતાં હોટેલ-રેસ્ટોરાં, રિસોર્ટ્સને તેનો થોડોઘણો ફાયદો થાય તેમ છે.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં હોટેલ-રેસ્ટોરાંના સંચાલકોનું કોઈ ઍસોસિયેશન ન હોવાથી તેઓ પોતાની રજૂઆતો યોગ્ય રીતે સરકારી સુધી પહોંચાડી શકતા નથી. કોરોનામાં વેપાર-ધંધા ઠપ થતાં શહેરમાં ઍસોસિયેશન બનાવવાની તૈયારીઓ થઈ હતી પરંતુ સરકારે થોડી છૂટછાટો આપતાં સમગ્ર આયોજન પડી ભાગ્યું હતું.

વીજબિલમાં માફીમાં પણ કેટલાક પ્રશ્નો ઊભા થશે
વીજબિલ માફીમાં પણ કેટલા પ્રશ્નો હોટેલ-રેસ્ટોરાં સંચાલકોના મનમાં ઊભા થયા છે, જેમાં સામાન્ય રીતે વીજબિલ વ્યક્તિગત નામે આવતાં હોય છે અને હોટેલ-રેસ્ટોરાં અલગ નામે ચાલતાં હોય છે ત્યારે આવા કિસ્સામાં શું થશે, તે એક સવાલ છે. બીજી તરફ સરકારી વીજ કંપનીઓ બિલમાં ફિક્સ્ડ ચાર્જમાંથી સીધી મુક્તિ આપશે. જોકે ટોરેન્ટ પાવર જેવી પ્રાઇવેટ કંપનીઓમાં કેવી રીતે રાહત અપાશે તે અંગે વેપારીઓમાં મુંઝવણ છે.

પાર્સલ સિસ્ટમમાં બહુ ફાયદો થતો નથી
કોરોનાને પગલે લોકો બહારનું ખાવાનું ટાળતા હોવાથી હોટેલના બિઝનેસને મોટો ફટકો પડેલો છે ત્યારે સરકારે હોટેલ-રેસ્ટોરાંમાં ટેકઅવેની છૂટ આપી છે. જેમાં પણ વેપારીઓને કોઈ ખાસ ફાયદો નથી. પેકિંગના કન્ટેનર, પ્લાસ્ટિક, ડીશ સહિતના ખર્ચાઓને પગલે વેપારીઓને નફામાં ઘટાડો થાય છે.

ડાઇન-ઇનની છૂટથી હોટેલ બિઝનેસ ફરી બેઠો થશે
ડાઇન-ઇન એટલે કે લોકો હોટેલમાં બેસીને જમે તેવી છૂટથી હોટેલ-રેસ્ટોરાંના બિઝનેસને ફાયદો થાય તેમ છે. સે-21ના વેપારી કૃણાલ વ્યાસે કહ્યું હતું કે, ‘પહેલાંની જેમ જ ફરી છૂટછાટ આપવામાં આવે તો અમારા બિઝનેસને ફાયદો થાય તેમ છે. વેપારીઓ પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકોને આવકારવા તૈયાર છે.’

અન્ય સમાચારો પણ છે...