લેણું બાકી:નવા સચિવાલયનો 10 કરોડનો વેરો 10વર્ષથી બાકી

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મનપાને પ્રોપર્ટીટેક્સની 40 કરોડની આવક, સરકારી મિલકતોનો 40 કરોડનો પ્રોપર્ટી ટેક્સ બાકી
  • સામાન્ય નાગરિક પાસેથી કોર્પોરેશન 18 ટકાનું વ્યાજ અને જરૂર પડે તો મિલકત સીલ કરવાની કામગીરી કરે છે

ગાંધીનગર કોર્પોરેશનને નાણાકીય વર્ષ 2022-23ના વર્ષમાં અત્યાર સુધી પ્રોપર્ટી ટેક્સની 40 કરોડથી વધુ આવક થઈ છે. કોર્પોરેશન વિસ્તારમાં નવા-જુના વિસ્તાર મળીને રેસિડેન્ટ તથા કોમર્શિયલ મળીને 1.74 લાખ જેટલી પ્રોપર્ટી છે. જોકે આ પ્રોપર્ટીમાંથી પાટનગર યોજના વિભાગ હસ્તક આવતી પ્રોપર્ટીનો ટેક્સ મનપાને મળતો નથી. ગાંધીનગર કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સના બાકી લેણા માટે નાગરિકોને નોટિસો આપીને વેરો વસૂલ કરવામાં આવે છે. ત્યારે કોર્પોરેશનને પોતાના વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓ, આવાસ સહિતનો 40 કરોડથી વધુનો પ્રોપર્ટી ટેક્સનું લેણું બાકી બોલે છે.

કોર્પોરેશનની સ્થાપના સમયથી જ ગાંધીનગરમાં આવેલા જૂના સચિવાયલ, નવા સચિવાયલ, રાજભવ, સીએમ હાઉસ, મંત્રી નિવાસ અને જિલ્લાની કચેરીઓનો પ્રોપર્ટી ટેક્સ કોર્પોરેશનમાં ભરાયો નથી. સામાન્ય નાગરિકો પાસેથી 18 ટકાનું વ્યાજ અને જરૂર પડે તો મિલકતો સીલ કરવા સુધીની કાર્યવાહી કોર્પોરેશન કરે છે.

સરકારી આવાસોનો 19 કરોડથી વધુ વેરો હાલ બાકી
જોકે સરકારી કચેરીઓ-આવાસોના બાકી વેરા મુદ્દે કોર્પોરેશન પત્ર વ્યવહાર સિવાય કઈ કરી શકે તેમ નથી. જેને પગલે હાલ બાકી વેરાનો આંકડો 40 કરોડ પહોંચી ગયો છે. જેમાં જ્યાં બેસીને સરકાર રાજ્યનું સંચાલન કરે છે તેવા નવા સચિવાયલનો 10 કરોડથી વધુ, જૂના સચિવાયલનો 4 કરોડથી વધુ, આર એન્ડ બી હસ્તકની ઓફીસોનો 5 કરોડથી વધુ, સરકારી આવાસોનો 19 કરોડથી વધુ વેરો હાલ બાકી બોલે છે.

કોર્પોરેશનને કરોડોનો ફટકો પડે છે
કોર્પોરેશન દ્વારા વખતો-વખત પાટનગર યોજના વિભાગને પત્ર લખીને બાકી લેણા માટે ટહેલ નાખી દેવાય છે. જોકે દર વખતે મિલકત વેરો ભરવાનો થતો ન હોવાનો જવાબ મળે છે. અગાઉની સરકારના સમયે સરકારી પ્રોપર્ટીઓનો મિલકત વેરો નહીં ભરવા અંગે ફાઈલ પર લખી દેવાયું હતું, જેને પગલે હાલ તો કોર્પોરેશનને કરોડોના ફટકો પડ્યો છે. જેમાં શહેરમાં ગટર-પાણી અને સ્ટ્રીટ લાઈટની જવાબદારી પાટનગર યોજના વિભાગ સંભાળે છે. જેના પૈસા કોર્પોરેશન પાસેથી લેવામાં આવતા નથી, બીજી તરફ સરકારી મિલકતોની નિભાવણી પણ પાયોવિ દ્વારા જ કરાય છે.

વર્ષ 2023-24માં પ્રોપર્ટી ટેક્સમાં 45 કરોડની આવકનો અંદાજ
ગાંધીનગર કોર્પોરેશન દ્વારા નાણાકીય વર્ષ 2023-24માં પ્રોપર્ટી ટેક્સમાંથી 45 કરોડની આવકનો અંદાજ લગાવાયો છે. નાણાકીય વર્ષ 2019-20માં મનપાને પ્રોપર્ટી ટેક્સની 14.18 કરોડની આવક થઈ હતી. જે 2020-21માં વધીને 21.37 કરોડ જ્યારે વર્ષ, 2021-22માં 27.48 કરોડની આવક થઈ હતી. ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં પ્રોપર્ટી ટેક્સની 40.43 કરોડ જેટલી આવક થઈ છે, જે 31 માર્ચ 2023 સુધીમાં 42 કરોડ જેટલી થાય તેવો અંદાજ લગાવાયો છે. મનપાની રચના થઇ ત્યારથી નવા સચિવાલયનો વેરો બાકી છે.

વાહનવેરામાંથી મનપાને 8.13 કરોડની આવક થઇ
મનપાના વ્હીકલ ટેક્સમાંથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી 8.13 કરોડ જેટલી આવક થઈ છે. જે 31 માર્ચ સુધીમાં 10 કરોડની આસપાર પહોંચે તેવો અંદાજ છે. વર્ષ 2019-20માં વ્હીકલ ટેક્સમાંથી 3.21 કરોડ, વર્ષ 2020-21માં 6.66 કરોડ, વર્ષ 2021-22માં 8.34 કરોડની આવક થઈ હતી. મનપાને વિવિધ વેરામાંથી આવક થતી હોય છે જે વિકાસ માટે વપરાય છે.

મનપાને પ્રોફેશનલ ટેક્સમાં 10.10 કરોડની આવક
મનપાને પ્રોફેશનલ ટેક્સમાંથી 10.10 કરોડ જેટલી આવક થઈ છે, જે નાણાકીય વર્ષ પુર્ણ થવા સુધીમાં 11 કરોડ થાય તેવી સંભાવના છે. 15 નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલેનાર સમાધાન યોજનામાં કુલ 561 ટેક્સપેયરે યોજનાનો લાભ લઈને 3.60 કરોડ જેટલો ટેક્સ ભર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...