માંગ:મગોડીમાં વાંદરો પકડ્યાના 1 સપ્તાહ બાદ વધુ 1 વ્યક્તિને કરડ્યો

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાંદરો કરડતા વન વિભાગે પકડેલો વાંદરો કયો? તેવા પ્રશ્નો

દસેક દિવસ પહેલાં મગોડીમાં વાંદરાના ત્રાસથી ગ્રામજનો પરેશાન થઇ ગયા હતા. આથી સપ્તાહ પહેલાં વન વિભાગે પાંજરૂ મુકીને વાંદરાને પકડીને લઇ ગયા હતા. પરંતુ બુધવારે સવારે ગામના યુવાનને વાંદરો કરડતા પુન: ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઉપરાંત અગાઉ પકડાયેલો વાંદરો કયો હતો તેવા પ્રશ્નો ગ્રામજનોમાં ઉઠી રહ્યા છે.

જિલ્લાના મગોડી ગામમાં દસેક દિવસ પહેલાં ગામમાં વાંદરાના ત્રાસથી ગામની ચારેક જેટલી વ્યક્તિઓને કરડ્યો હતો. ઉપરાંત દરબાર વાસના ત્રાસ મચાવનાર વાંદરાથી ગ્રામજનો પરેશાન થઇ ગયા હતા. ત્યારે ગામના સરપંચે વન વિભાગને જાણ કરતા પાંજરૂ મુકવામાં આવ્યું હતું. જોકે પાંજરામાં વાંદરો પુરાતા વન વિભાગ દ્વારા તેને લઇ ગયા હતા.

આથી ગ્રામજનોને વાંદરો પકડાઇ જતા હાશકારો અનુભવ્યો હતો. પરંતુ દસ દિવસ પછી પુન: વાંદરો દેખાતા બુધવારે ગામના દરબારવાસમાં રહેતા યુવાનને પગમાં કરડ્યો હતો. આથી તેને ઇમરજન્સી સેવા 108 મારફતે સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યારે બીજી તરફ વાંદરો બીજી તરફ આવતા ગામના સરપંચ શિલ્પાબેન ગીરીશભાઇ પટેલે વન વિભાગને જાણ કરીને વાંદરાને પકડવાની સુચના આપી છે.

આથી વન વિભાગે ગામમાં પાંજરૂ મુકવામાં આવ્યું છે. જોકે વન વિભાગે અગાઉ પણ પાંજરૂ મુક્યું હતું. તેમ છતાં કરડતા વાંદરાને પકડી શક્યું નથી. ત્યારે માત્ર પાંજરા મુકીને જ વન વિભાગ સંતોષ માની રહ્યું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. ગ્રામજનો વાંદરાથી ભયભીત થઇ ગયા છે. ત્યારે કરડતા વાંદરાને પકડવાની ગ્રામજનોમાં માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...