ગુજરાતમા ઉત્તરાયણના તહેવારને ધ્યાનમા રાખતા બુલેગરો દ્વારા મોટા પ્રમાણમા દારુ મંગાવવામા આવી રહ્યો છે. ત્યારે ગત રાત્રિએ એલસીબીની ટીમે સાંતેજ પોલીસ મથક વિસ્તારમાથી શેરીસા અને કલોલ હાઇવે પરથી બે અલગ અલગ વાહનમા લાવવામા આવતો વિદેશી દારુનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે બંને કારમાંથી 1164 બોટલ પકડી આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી. જોકે, એક આરોપી ફરાર થઇ ગયો હતો અને એક પકડાઇ ગયો હતો.
એલસીબી પીઆઇ એચ.પી.પરમારની ટીમ કલોલના સાંતેજ પોલીસ મથક વિસ્તારમા પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન રવિન્દ્રસિંહને બાતમી મળી હતી કે, એક સફેદબોલેરો કાર નંબર જીજે 27 એપી 7239મા વિદેશી દારુનો મોટો જથ્થો ભરવામા આવ્યો છે અને કલોલ બોરીસણા થઇને ખાત્રજવાળા રસ્તેથી અમદાવાદ તરફ જવાની છે.
જેથી એલસીબીની ટીમ દ્વારા શેરીસા કેનાલ પાસે નાકાબંધી કરાઈ હતી. જ્યારે કાર આવતા તેને રોકવામા આવી હતી અને કારનો ચાલક મોડસિંહ ભમરસિંહ સોલંકી (રહે, ગુંદરી, દાંતીવાડા)ને પકડ્યો હતો. કારમાંથી વિદેશી દારુની 336 બોટલ કિંમત 1,42,080 મળી કુલ 6,47,080નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી. આરોપી દ્વારા પોલીસથી બચવા ખોટી નંબર પ્લેટ લગાવી હતી, જ્યારે સાચો નંબર જીજે 08 બીએચ 0375ની પ્લેટ પણ અંદરથી મળી આવી હતી.
બીજી તરફ સાંતેજ પોલીસ મથક વિસ્તારમાંથી જ એક કારનો ચાલક દારુ ભરી આવી રહ્યો હોવાની બાતમી રાકેશસિંહને મળી હતી. જેથી પોલીસ જાસપુર તરફના રોડ ઉપર આડશ કરાઈ હતી. પરંતુ સ્વીફ્ટ કાર નંબર જીજે 27 એએ 5955ના ચાલકે આડશ મુકવામા આવી હોવા છતા કારને ભગાડી મુકી હતી.
જાસપુર તરફ કાર ભગાડી મુકી હતી. પોલીસે પણ કારનો પીછો કર્યો હતો. ત્યારે જાસપુર ગામના રોડ સાઇડના ઉકરડામા કાર ફસાયેલી જોવા મળી હતી. કારની તપાસ કરતા તેમાંથી વિવધ બનાવટની 828 બોટલ કિંમત 1,25,280 મળી આવ્યો હતો. પોલીસે દારુ અને કાર સહિત 3,75,280નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જ્યારે કારનો ચાલક કાર મુકી ફરાર થઇ ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.