માણસાના ચારવડ વિસ્તારના છાપરા પાસે ટાંકી અને ડોલમાંથી બકરા પાણી પી ગયા હોવાની બાબતે ઠપકો આપનાર વ્યક્તિને બકરાના માલિક સહિત ચાર ભાઈઓએ ભેગા મળી લોખંડની પાઇપ અને લાકડીઓ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. વચ્ચે છોડાવવા પડેલ મૃતકના સાળાની પત્નીને પણ હુમલાખોરોએ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જે બાબતે મૃતકની સાસુએ ચારે હુમલાખોર વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માણસા શહેરના ચારવડ નજીક આંબા તળાવ તરીકે ઓળખાતા વિસ્તારમાં નજીવી બાબતે એક વ્યક્તિને ચાર ભાઈઓએ ભેગા મળી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ધરમોડા ગામનો પરિવાર છેલ્લા 15 વર્ષથી માણસા ખાતે ચારવડ વિસ્તાર પાસેના આંબા તળાવના છાપરામાં સાસુને ત્યાં પત્ની સાથે રહે છે અને મજૂરી કરી ગુજરાન ચલાવે છે. સદાભાઈ ગલબાભાઈ સાંજે તેમના છાપરા પાસે હાજર હતા. તે વખતે અહીં બાજુમાં રહેતા અજીતભાઈ ગોવિંદભાઈ અને કરણભાઈ ગોવિંદભાઈની બકરા તેમના ઘર પાસે મુકેલ પાણીને ટાંકી અને ડોલમાંથી પાણી પીતા હતા. જેથી સદાભાઈએ બકરીના માલિકોને બકરીઓ પાણી પી જાય છે તે બાબતે ઠપકો આપ્યો હતો.
જેથી ઉશ્કેરાયેલા આ બંને ભાઈઓએ ગાળા ગાળી કરી ત્યાંથી ચાલ્યા ગયા હતા અને થોડીવાર પછી તેમની સાથે રણજીતભાઈ ગોવિંદભાઈ અને બળદેવભાઈ ગોવિંદભાઈ સહિત ચાર ભાઈઓ હાથમાં લોખંડની પાઇપ અને લાકડીઓ સાથે ફરીથી આવી બકરી પાણી પીવા બાબતે ઝઘડો કરી ગાળા ગાળી કરી ઉશ્કેરાઈ જઈ સદાભાઈને પાઇપ અને લાકડીઓથી માર મારવા લાગ્યા હતા. આ વખતે ભારે હોબાળો થતા સદા ભાઈના સાળાની પત્ની ભારતીબેન તેમજ આજુબાજુથી દોડી આવેલા લોકો તેમને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા. ત્યારે ઉશ્કેરાયેલા આ ઈસમોએ ભારતીબેનને પણ માથાના ભાગે લોખંડની પાઇપ ફટકારી દીધી હતી.
લોકોનું ટોળું ભેગું થઈ જતા ચારે હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ચાલ્યા ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત બંનેને માણસા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સદાભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓના કારણે સારવાર મળે તે પહેલા તેમનું મોત થયું હતું. ઇજાગ્રસ્ત મહિલાને વધુ સારવાર માટે ગાંધીનગર ખસેડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.