લમ્પીનો પગપેસારો:માણસાના સોલૈયા ગામની 2 ગાયમાં લમ્પી વાયરસનાં લક્ષણોથી ચિંતા

માણસા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
માણસાના સોલૈયામા બે ગાયોને લમ્પી વાયરસના લક્ષણો જણાતા પશુપાલકોમા ચિંતા ફેલાઈ હતી. - Divya Bhaskar
માણસાના સોલૈયામા બે ગાયોને લમ્પી વાયરસના લક્ષણો જણાતા પશુપાલકોમા ચિંતા ફેલાઈ હતી.
  • ગામના પશુ ડોક્ટરને જાણ કરાતાં પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી
  • પશુપાલન વિભાગના તબીબે પણ ગામમાં જઇ ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું

રાજ્યના અનેક જિલ્લાઓમાં લમ્પી વાયરસના કારણે પશુઓના મોત નીપજી રહ્યા છે અને આ રોગચાળો ઝડપભેર ફેલાઈ રહ્યો છે. ત્યારે હવે માણસા તાલુકાના સોલૈયા ગામમાં પણ બે દિવસમાં બે ગાયોને લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતા પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે. આ રોગચાળાની ગંભીરતાને કારણે પશુપાલન વિભાગના તબીબો પણ સ્થળ પર આવી સારવાર તેમજ જરૂરી સૂચન આપ્યા છે.

જિલ્લાઓમાં લમ્પી વાયરસ નામના રોગચાળાએ ભારે હાહાકાર મચાવ્યો છે અને આ રોગના કારણે અનેક અબોલ પશુઓના જીવ ગયા છે. ત્યારે રાજ્ય સરકારના ખેતીવાડી અને પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકોને સલામતીના ભાગરૂપે એલર્ટ રહેવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ત્યારે હવે આ વાયરસના લક્ષણો માણસાના સોલૈયા ગામમાં રહેતા રામુભાઈ ગલબાભાઈ ચૌધરીની ગાયમાં ગઈકાલે દેખાતા તેમણે તાત્કાલિક આ બાબતની જાણ ગામના પશુ તબીબને કરતા તેઓએ સ્થળ પર આવી પ્રથમ દૃષ્ટિએ લમ્પી વાયરસના લક્ષણ જણાયા હતા. જેથી તેમને તે મુજબની સારવાર શરૂ કરી હતી.

ખેડૂતે પણ રોગચાળાની ગંભીરતાને જોતા જિલ્લા કંટ્રોલમાં પણ ગાયના લક્ષણો બાબતે વાત કરતા રવિવારે જિલ્લા પશુપાલન વિભાગના તબીબ સોલૈયા ગામે પહોંચી સારવાર અને નિરીક્ષણ કરી ખેડૂતને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી. સોમવારે બીજા દિવસે સોલૈયા ગામમાં જ લાલજીભાઈ ચૌધરીના ત્યાં ગાયને આ જ પ્રકારના લક્ષણો જણાતા તેમણે પણ પશુ તબીબને બોલાવી શંકાસ્પદ લમ્પી વાયરસ જેવું લાગતા તેની સારવાર કરાવી હતી.

ખેડૂતોએ આ રોગચાળા બાબતે દૂધસાગર ડેરીને તેમજ સરકારી વિભાગોને જાણ કરી આ રોગચાળો વધુ ન ફેલાય તે માટે પશુઓને તાત્કાલિક રસી આપવા માટે પણ માગણી કરી છે. એક જ ગામમાં બે ગાયોને લક્ષણો જણાતા તાલુકાના પશુપાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...