અકસ્માત:રીદ્રોલ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત, માથામાં ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન મૃત્યુ થયું

માણસા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મજૂરી કરવા ખેતરમાં જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

માણસા-વિજાપુર હાઈ-વે પર રીદ્રોલ ગામ નજીક શુક્રવારે સવારે ખેતરમાં કપાસ વીણવા જઈ રહેલી મહિલાને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં માથામાં ગંભીર ઈજા થઈ હતી ત્યારે મહિલાને સારવાર માટે પહેલાં માણસા, ગાંધીનગર અને બાદમાં અમદાવાદ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મૃતક મહિલાના પતિએ માણસા પોલીસ સ્ટેશને અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ માણસા તાલુકાના રીદ્રોલ ગામમા ઠાકોરવાસમાં રહેતા અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા 35 વર્ષીય રમેશજી ચંદુજી ઠાકોર ગઈ કાલે સવારે મજૂરી કામે ગયા હતા અને તેમના પત્ની સવિતાબેન પણ કપાસ વિણવા માટે ઘરેથી નીકળી રીદ્રોલથી માણસા તરફ જતા રોડ પર ચાલતા જઈ રહ્યા હતા. તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી આ મહિલાને ટક્કર મારતા તેઓ નીચે પટકાયા હતા. જેથી મહિલાને માથાના ભાગે તેમજ કાનના ભાગે ગંભીર ઇજાઓ થતાં આજુબાજુથી દોડી આવેલા લોકોએ તાત્કાલિક તેમને માણસા સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા.

માણસા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ગાંધીનગર અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમને અંદરના દર્દી તરીકે દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે મહિલાનું સારવાર દરમ્યાન મોત થયું હતું. આ બાબતે મૃતક મહિલાના પતિએ અકસ્માત સર્જી મોત નીપજાવી ભાગી છૂટનાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...