માણસા તાલુકાના જૂના ખડાત ગામે એક ઘરમાં ચોરીની ઘટના બની છે. રાત્રીના 17,700 રૂપિયા લઈને ભાગેલા શખ્સ અને ઘરમાલીક વચ્ચે ઝપાઝપી થવા છતાં તે ભાગી છૂટવામાં સફળ થયો હતો. પરંતુ આરોપીનો ફોન પડી જતાં તે ગામનો જ શખ્સ હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે પોલીસે સમગ્ર મુદ્દે ચોરી કરીને ફરાર થઈ ગયેલા શખ્સ સામે ગુનો નોંધ્યો છે. જૂના ખડાત ગામે રહેતા સૂર્યસિંહ ગમીરસિંહ રાઠોડ ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
બુધવારે રાત્રે પરિવાર જમી-પરવારી ઘરમાં સૂઈ રહ્યો હતો તે વખતે મધ્યરાત્રિના દોઢ વાગે ગામમાં જ રહેતો પ્રવિણસિંહ ઉર્ફે કાળુસિંહ કાનસિંહ રાઠોડ તેમના ઘરમાં ઘૂસ્યો હતો. તે ઘરમાં મુકેલ પર્સમાંથી 13000 હજાર તથા ગોદડા નીચે સંતાડેલા 4,700 ચોરી ભાગ્યો હતો. આ સમયે અવાજ થતાં સૂર્યસિંહ જાગી ગયા હતા, જેને પગલે આરોપી ઘર પાસેની કપડાં ધોવાની ચોકડીમાં સંતાઈ ગયો હતો. જેને પગલે સૂર્યસિંહ ત્યાં પહોંચી જતાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી.
ભારે હોબાળો થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. પરંતુ રાત્રીના અંધારામાં ચોરી કરવા આવેલા પ્રવીણસિંહને સૂર્યસિંહ ઓળખી શક્યા ન હતા. જોકે આરોપીનો મોબાઈલ ત્યાંથી મળી આવતા ચોરી કરનાર ગામનો જ હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે સૂર્યસિંહે રૂ. 17,700ની ચોરી અંગે માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચોરી કરીને ફરાર થઈ ગયેલા આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.