ડૉ..બાબાસાહેબ આંબેડકરની આજે 131મી જન્મ જયંતી નિમિત્તે માણસા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ચારવડ વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરી સામે બાબાસાહેબની પ્રતિમાનું પણ આજે અનાવરણ કરવામાં આવ્યું હતું. સવારે યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
દેશના બંધારણના ઘડવૈયા અને રાષ્ટ્ર નિર્માતા ડો.બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મ જયંતી દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. ત્યારે માણસામાં આજે દિવસને યાદગાર બનાવવા માટે શહેર અને તાલુકાના સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ અને ડો.બી.આર.આંબેડકર સમિતિ દ્વારા શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આજે સવારે ગુરૂકૃપા સોસાયટીથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જે રેલી સમગ્ર શહેરમાંથી પસાર થઈ ચારવડ વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરી સામે સર્વ સમાજના સહયોગથી મુકવામાં આવેલી ડો.આંબેડકરની નવી પ્રતિમા પાસે પહોંચી હતી. ત્યાં નગરપાલિકાના કોર્પોરેટર પારૂલબેન કનુભાઈ શાહ દ્વારા ઉદઘાટન વિધિ બાદ પ્રતિમાનું અનાવરણ કરી ખુલ્લી મુકવામાં આવી હતી, ત્યારબાદ રેલીમાં હાજર મહાનુભાવો અને સર્વ નાગરિકો એ નમન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.