પડુસ્માના યુવાનને અઢી વર્ષ પહેલા ગાંધીનગરમાં સામાજિક પ્રસંગમાં મળેલી મહિલાએ સરકારી નોકરીની લાલચ આપી 12 લાખ રૂપિયા લઇ છેતરપિંડી આચરી હતી.આ રૂપિયા યુવકે પરત માંગતા મહિલા અને તેના સાગરીતોએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પડુસ્માના અને હાલ માણસા સાકાર ગ્રેસ બંગ્લોઝમાં રહેતા જયદીપસિંહ કરણસિંહ ચાવડા અઢી વર્ષ અગાઉ ગાંધીનગર ખાતે યોજાયેલ સમાજના જીવનસાથી મેળામાં ગયા હતા. તે વખતે મૂળ ઇડરના અરોડ ગામના અને હાલ ગાંધીનગરના કુડાસણ ખાતે રહેતા સરોજબા મહેન્દ્રસિંહ રહેવર સાથે મુલાકાત થઈ હતી.તે વખતે સરોજબાએ પોતે સ્પર્ધાત્મક પરીક્ષા માટેના કલાસીસ ચલાવતા હોવાનું જણાવ્યું હતું.જયદીપસિંહે તેમના ક્લાસીસમાં એડમિશન લીધું હતું. પરિચય ગાઢ બનતા સરોજબાએ આ શિક્ષિત યુવકને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી 12 લાખ ની માગણી કરી હતી તેણે સરોજબા અને પંકજ પ્રવિણચંદ્ર ઠક્કરને 12 લાખ રૂપિયા ચૂકવ્યા હતા અને અવારનવાર નોકરી બાબતે પૂછપરછ કરતા મહિલાએ વાયદા કર્યા હતા.
બીજી બાજુ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતા સરોજબા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ હતી. યુવકે પોતે આપેલ રૂપિયાની માંગણી કરતાં 4 મહિના અગાઉ સરોજબા તથા પંકજ ઠક્કર અને અન્ય બે વ્યક્તિઓ માણસા આવ્યા હતા અને જયદીપસિંહ સાથે ઉગ્ર બોલાચાલી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. જે બાબતે યુવાને માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.