મામલો ગરમાયો:ઇટાદરાના યુવકે સરપંચ પાસે RTI કરી જવાબ માગતાં મામલો ગરમાયો

માણસા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકે 14 અને 15મા નાણાપંચની ગ્રાન્ટનો હિસાબ માગતાં બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો

માણસા તાલુકાના ઇટાદરા ગામના એક યુવકે આરટીઆઇ હેઠળ 14 અને 15માં નાણાપંચ અંતર્ગત પંચાયતને ફાળવાયેલી રકમ ગામમાં કેવી રીતે વપરાઇ તે અંગેની માહિતીનો જવાબ મુદત વિત્યા છતાં ન મળતા પંચાયત કચેરીએ ગયા હતા. જ્યાં સરપંચ સાથે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો અને તે મારામારી સુધી પહોંચતા ટોળા એકઠા થયા હતા અને લોકોએ બંનેને સમજાવી મામલો થાળે પાડયો હતો.માણસા પાસેના ઇટાદરા ગ્રામ પંચાયત અવાર નવાર વિવાદોમાં આવતી રહે છે.

ત્યારે દોઢ મહિના અગાઉ ઇટાદરા ગામના પટેલ સમીરકુમાર રમેશભાઈએ આર.ટી.આઈ અંતર્ગત ઇટાદરા ગ્રામ પંચાયતને 14 અને 15માં નાણાપંચ હેઠળ સરકાર દ્વારા ગામના વિકાસ માટે ફાળવાયેલી રકમ ક્યાં અને કેવી રીતે વાપરવામાં આવી તે બાબતના હિસાબોને લગતી માહિતી તેમજ ગ્રામસભા કેટલી વખત મળી તેમાં હાજર અધિકારીઓની વિગત તેમજ બેન્ક બેલેન્સની વિગત અને ઠરાવો બાબતે છેલ્લા ત્રણ વર્ષની પ્રમાણીત નકલો માગી હતી.

જે નિયમ મુજબ મુદત વિત્યા છતાં પણ તેમને મળી ન હતી જેથી બે દિવસ અગાઉ આ યુવક પંચાયત કચેરીએ જઇ સરપંચને તેમની આરટીઆઈની માહિતી બાબતે પૂછપરછ કરતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. આ મામલો વધુ ઉગ્ર બનતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. ત્યારે ગામ વચ્ચે આવેલી પંચાયત કચેરીમાં હોબાળો થતા લોકો દોડી આવ્યા હતા અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી ઉગ્ર બોલાચાલી કરી રહેલા સરપંચ અને આરટીઆઇ એક્ટિવિસ્ટ યુવક સહિત બંનેના સમર્થકોને સમજાવી ગામલોકોએ મામલો થાળે પાડયો હતો.

અન્ય સમાચારો પણ છે...