સમસ્યા:ફતેપુરાના ગ્રામજનો ડમ્પિંગ સાઈડ હટાવવા મુદ્દે ફરીથી મેદાને ઉતર્યા

માણસા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમસ્યાનંુ નિરાકરણ નહીં આવે તો આંદોલનના મંડાણ થવાના એંધાણ

માણસાના ગુલાબપુર અને ફતેહપુરા ગામની સીમમાં ખરાબાની ખુલ્લી જગ્યામાં માણસા શહેર તેમજ આજુ બાજુના ગામનો કચરો નાખવામાં આવે છે. જેના કારણે અહીં પ્રાણીઓ કચરામાં ખોરાક શોધવા આવે છે અને ખેડૂતોના ખેતરમાં નુકસાન પણ પહોંચાડે છે, તેમજ અહીં સળગાવવામાં આવતા કચરાના કારણે ઝેરી ધુમાડાની ગંભીર અસરો થવાની દહેશતના કારણે બંને ગામના ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ત્યારે અનેક રજૂઆતો તેમજ આવેદનપત્રો આપ્યા બાદ પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા ફરીથી આ પ્રશ્ને ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

માણસા તાલુકાના ફતેપુરા ગામના નાગરિકોએ સરકાર સામે આંદોલનના મંડાણ કર્યા છે. માણસા નગરપાલિકા દ્વારા માણસા નગરનો તમામ કચરો ફતેપુરા ગામની સીમમાં ડમ્પીંગ સ્ટેશન ખાતે ઠલવવામાં આવી રહ્યો છે. ગુલાબપુરા અને ફતેપુરાના જાગૃત નાગરિકો દ્વારા આ અંગે અગાઉ એક આવેદનપત્ર પણ પાઠવી આપવામાં આવ્યુ હતુ. કોરોનાના કપરાં સંજોગોમાં ડમ્પીંગ સાઈડ અને ચર્મકુંડને કારણે બેરોકટોક પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, એવામાં કુંભકર્ણ નિંદ્રાધીન સરકાર અને માણસા નગરપાલિકાના સત્તાધીશોને જાગૃત કરવા સમગ્ર ગ્રામજનોના દ્વારા આંદોલનના માર્ગે આગળ વધી રહી છે.

જાગૃત નાગરિકોએ આ અંગે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, તકેદારી આયોગ, મુખ્યમંત્રી કચેરી સહિત લાગતી વળગતી સરકારી એજન્સીઓને અરજીઓ કરી છે. અહીં કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કે પ્રબંધન તો થતું નથી જ પણ ઉલટાનું કચરાને સળગાવી ધુમાડાનું પ્રદૂષણ પેદા કરવામાં આવે છે. મરેલાં ઢોરઢાંખરના ઊતારેલાં ચામડાને કારણે હિંસક કૂતરાંઓનો પણ ત્રાસ વર્તાઈ રહ્યો છે. ઘન કચરાનું કોઈ જ પ્રકારે અલગીકરણ કે વિભાગીકરણ કરવામાં આવતું નથી. કરોડોના ખર્ચે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હોવા છતાં પુન: ચક્રીકરણ પ્રક્રિયા પણ અમલમાં મૂકી નથી. કચરામાં ખોરાક શોધતી બિનવારસી રખડતી ગાયો પણ અકસ્માત માટે કારણભૂત બની રહી છે. ખેતરોમાં પાક ઉત્પાદન ઘટી રહ્યું છે અને માંદગીનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...