શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ:માણસામાં સીલ બંને સરકારી શાળા નાટકીય ઢબે ખોલી દેવાઇ

માણસા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આચાર્યની ઓફિસમાં હજુ પણ સીલ લાગેલુ જ છે

માણસા શહેરમાં આવેલી સરકારી પ્રાથમિક કુમારશાળા અને કન્યા શાળાઓને બે દિવસમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાના કારણે નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી. જે બાબતને લઈ ગઈ કાલે સાંજે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ પાલિકા કચેરીએ જઈ હોબાળો મચાવતા આખરે રાત્રે 10 વાગે શાળાના તાળાં ખોલી દેવામાં આવ્યા હતા અને આજ સવારથી રાબેતા મુજબ બંને શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું.

માણસાની સરકારી પ્રાથમિક કુમાર શાળા નંબર 2મા ફાયર સુવિધા ઊભી કરી ફાયર એનઓસી મેળવી લેવા વહીવટી તંત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ શાળા તરફથી શિક્ષણ વિભાગને જરૂરી ખર્ચ માટે ગ્રાન્ટની ફાળવણી કરવા રજૂઆત કરી હતી. તેમ છતાં ગ્રાંટના અભાવે ફાયર સેફટી સુવિધા ઊભી કરવામાં આ સરકારી શાળા અસમર્થ રહેતા આખરે માણસા નગરપાલિકા દ્વારા તેને સીલ કરવામાં આવી હતી. તે વખતે શાળામાં અભ્યાસ કરતા બાળકોને બાજુમાં આવેલી કન્યાશાળામાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે બેસાડવામાં આવ્યા હતા.

પરંતુ બીજા દિવસે આ કન્યા શાળાને પણ ફાયર એનઓસીન હોવાના કારણે નગરપાલિકા અને ફાયરની ટીમે સીલ મારી દેતા બંને શાળાના વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થઈ ગયું હતું. શિક્ષણ વિભાગની બેદરકારીનો ભોગ આ બંને શાળામાં ભણતા વિદ્યાર્થીઓ બન્યા હતા. બે દિવસમાં બે સરકારી શાળાઓ બંધ થતા આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ ગઈકાલે સાંજે રોષે ભરાયા હતા, પાલિકા કચેરીમાં જઇ હોબાળો મચાવ્યો હતો.

શિક્ષણ વિભાગની ઘોર બેદરકારીની વાત ઉચ્ચકક્ષાએ પહોંચતા કોઈપણ સંજોગોમાં બંને શાળાઓ ખોલી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાત્રીના દસ વાગે બંને પ્રાથમિક શાળાઓ ખોલી દેવામાં આવી હતી. આજે સવારથી બંને શાળામાં શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...