રીકાઉન્ટિંગથી કોઈ ફરક ન પડ્યો:સોલૈયાના ઉમેદવારે રીકાઉન્ટિંગ માંગતાં ફરી ગણતરી કરાઇ પણ પરિણામ યથાવત્ રહ્યું

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માણસાની 18 ગ્રામ પંચાયતમાં સાંજે 6-30 સુધીમાં પરિણામ આવ્યું

માણસા તાલુકાની 18 ગ્રામ પંચાયતોમાં સરપંચ તેમજ વોર્ડ સભ્યોની યોજાયેલી ચૂંટણીમાં ભારે મતદાન બાદ મંગળવારે માણસા કોલેજમાં મત ગણતરી યોજાઇ હતી. જેમાં સવારથી જ ઉમેદવારો તથા તેમના ટેકેદારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સવારના 9 વાગ્યે શરૂ થયેલી મતગણતરીમાં સાંજે સાડા છ વાગ્યા સુધીમાં તમામ ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર થઈ ગયું હતું. માણસા તાલુકાના 80 ગામ પૈકી મુદ્દત પુરી થયેલી 30 ગ્રામ પંચાયતમાં ચૂંટણી જાહેર કરવામાં આવી હતી.

જેમાંથી 11 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ હતી તો બે પંચાયતો અંશતઃ બિનહરીફ જાહેર થયા બાદ બાકીના 18 ગામમાં ચૂંટણીનો માહોલ જામ્યો હતો. જેમાં 18 ગામ પૈકી 17 ગામમાં સરપંચ અને વોર્ડ સભ્યો તથા એક ગામમાં ફક્ત વોર્ડના સભ્યની ચૂંટણી માટે મતદાન થયું હતું. માણસા કોલેજ માં 18 ગામના તમામ 51 મતદાન કેન્દ્રોની મતપેટીઓ ઉમેદવારોની હાજરીમાં ખોલાઈ હતી.

સોલૈયા ગ્રામ પંચાયતના સરપંચનું પરિણામ જાહેર થયા બાદ પ્રતિસ્પર્ધી ઉમેદવારે રીકાઉન્ટિંગ માંગતા ફરી મત ગણતરી કરાતા પરિણામમાં કોઈ ફરક પડ્યો ન હતો. સવારથી શરૂ થયેલી મતગણતરી સાંજ સુધી પૂર્ણ થઇ ત્યાં સુધી જીતેલા તમામ ઉમેદવારોના સ્વાગત માટે તેમના ટેકેદારો અને ગ્રામજનો અબીલ ગુલાલ છાંટી ફટાકડા ફોડી ખુશી મનાવી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...