માણસા તાલુકાના બિલોદરા ગામમા રાત્રીના સમયે ત્રણ ખેડૂતના ખેતરના શેઢા પર વાવવામાં આવેલા ચંદનના 8 જેટલા ઝાડ કાપીને ચોર લઈ ગયા હતા, જ્યારે પાંચ ઝાડને નુકસાન પહોંચાડ્યું હતું. જે બાબતે આજે સવારે ખેડૂતોને ખબર પડતા તેમણે માણસા પોલીસ સ્ટેશને અજાણ્યા ચંદન ચોરો વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ માણસા તાલુકાના બિલોદરા ગામે વાણીયા વાસમાં રહેતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા 68 વર્ષીય ભીખાજી મફાજી ચાવડા ગઈકાલે સાંજે ખેતરનું કામ કાજ પતાવી ઘરે આવ્યા હતા. ત્યારબાદ રાત્રિના કોઈપણ સમયે તેમના સવાશેરી નામે ઓળખાતા ખેતરના અજાણ્યા ઇસમો આવ્યા હતા અને ખેતરના શેઢા પર વાવવામાં આવેલા આશરે 10 થી 12 વર્ષના ચંદનના ઝાડની ચોરી કરવાના ઇરાદે 6 ઝાડને કાપી નાખ્યા હતા, તેમ જ પાંચ ઝાડને નુકસાન પહોંચાડ્યું હતું.
આ ઉપરાંત બીજા એક ખેડૂત દશરથજી બળદેવજી ચાવડા તેમજ અશ્વિનસિંહ હિંમતસિંહ ચાવડાના ખેતરના શેઢા પરથી પણ એક એક ચંદનનું ઝાડ કાપીને લઈ ગયા હતા.જ્યારે સોમવારે સવારે ત્રણે ખેડૂતોને પોતાના ખેતરમાં ગયા તે વખતે ખબર પડી હતી કે, તેમના ત્યાંથી ચંદનના ઝાડની ચોરી થઇ છે.
ત્યારબાદ તેમણે આજુબાજુ શોધખોળના અંતે માણસા પોલીસ સ્ટેશનને અજાણ્યા ચંદનચોર વિરુદ્ધ ફરિયાદ આપી એક ચંદનના ઝાડની કિંમત 5000 પ્રમાણે આઠ ઝાડના 40000 અને પાંચ ઝાડને નુકસાન થયું તેના 20000 મુજબ 80000ના ચંદનના ઝાડની ચોરી તેમજ નુકસાની થઈ હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.