ખેડૂતોની મહેનત પર પાણી:રાજપુરાની સિરામિક ફેક્ટરીના પ્રદૂષણથી પાકનો વિકાસ રૂંધાતાં ખેડૂતોમાં ભારે રોષ

માણસા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાકનો સારો ભાવ ન મળતાં ખેડૂતોની વર્ષભરની મહેનત પર પાણી ફરી વળે છે
  • ખેતરોમાં હરિયાળીની જગ્યાએ ફેક્ટરીમાંથી ઊડતી ધૂળની સફેદ ચાદર પથરાતા થતું નુકસાન

માણસા પાસેના રાજપુરામા આવેલી સીરામીકની બે ફેક્ટરીમાંથી નિકળતી બારીક ધૂળના કારણે આજુબાજુમાં આવેલા ખેતરોમાં વાવેલ પાક નિષ્ફળ જાય છે. ઉપરાંત ફેક્ટરીની પ્રદુષિત માટીને કારણે ગ્રામજનોના સ્વાસ્થય પર પણ અસર થાય છે. જે બાબતે ગ્રામજનોની અનેક રજુઆત બાદ પણ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે ખેતરોમાં સફેદ માટીની ચાદર ફેલાઈ જતા પાકનો ભાવ પણ મળતો નથી જેને લઈ ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજપુરા ગામમાં આવેલી આકાશ સીરામીક અને સાકાર સિરામિક ફેક્ટરીઓ ટાઇલ્સનું ઉત્પાદન કરી વેચાણ કરે છે.

આશરે 60 વીઘા જેટલી જમીનમાં આવેલી બંને ફેક્ટરીમાં ટાઇલ્સ ઉત્પાદન માટે મોટા પ્રમાણમાં માટીનો ઉપયોગ કરાય છે. આ માટી મોટા મશીનોમા પ્રોસેસ થયા બાદ તેના બારીક રજકણો વાતાવરણમાં ફેલાય છે. રાજપુરા ગ્રામજનોની કાયમી ફરિયાદ બાબતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ખેતીવાડી વિભાગ, કલેકટર સહિત લાગતા-વળગતા તમામ વિભાગને અનેક વખત રજૂઆતો કરવા છતાં આજ સુધી તેનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી.

જેથી છેલ્લા કેટલાક વર્ષથી પ્રદૂષણ બાબતે લડત ચલાવી રહેલ ખેડૂતોએ રાજ્યના મુખ્યમંત્રી, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, તેમજ મામલતદાર અને ટીડીઓને અનેક પત્ર લખી રાજપુરા ગામમાં આવેલી અને પ્રદુષણ ફેલાવતી બે ફેકટરી વિરુદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત કરી છે, તેમ છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.

ફેક્ટરી માલિકી વગદાર હોવાના કારણે સમસ્યાનું સમાધાન થયું નથી : ગ્રામજનો
રાજપુરાની બંને સિરામિકની ફેક્ટરી બાબતે ગ્રામજનોના જણાવ્યા મુજબ અમારી અનેક ફરિયાદો સામે આજ સુધી તંત્રએ કોઈ જ પગલા લીધા નથી કે, કડક કાર્યવાહી પણ કરી નથી. ફેક્ટરીમાં અવરજવર કરતા ભારે વાહનોને કારણે એપ્રોચ રોડ પણ તૂટી જાય છે. ગ્રામ પંચાયતમાં વેરો પણ તેમની મરજી પ્રમાણે ઉચ્ચક ભરી દે છે. બંને ફેક્ટરીઓની આકારણી બાબતે પણ લોકોને શંકા છે, ગ્રામજનોનો એવો પણ આક્ષેપ છે કે, આ ફેક્ટરીના માલિકો ઉચીવગથી ગામલોકોની ફરિયાદ દબાવી દે છે.

અન્ય સમાચારો પણ છે...