માણસા તાલુકાના પુંધરા ગામના પાટીયા પાસે આંગડીયા પેઢીના માલિક સાથે લૂંટની ઘટના બની હતી. જેમાં તેઓ પાંચ લાખ ભરેલી બેગ લઈને ઉભા હતા ત્યારે બાઈક પર આવેલ બે શખસે બેગ ઝુંટવી હતી. તેઓએ બેગનો પટ્ટો પકડી રાખતાં તેઓ થોડે સુધી ઢસડાયા હતા, જોકે બેગનો પટ્ટો તુટી જતાં લૂંટારૂઓ બેગ લઈને ભાગી ગયા હતા.
સમગ્ર મુદ્દે માણસા તાલુકા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. માણસા શહેરમાં સજજનનગર સોસાયટીમાં રહેતા હર્ષદકુમાર પરસોત્તમભાઇ પટેલ ( મૂળ-ચરાડા) પ્રાંતિજ ખાતે શંકર એવન્યુમાં પી. એમ. એન્ટરપ્રાઇઝની આંગડિયા પેઢીની ફ્રેન્ચાઇઝી ધરાવે છે. તેઓ નિયમિત રીતે માણસાથી બાઈક સવારે 8:30 કલાકે ઘરેથી નીકળી પ્રાંતિજ પેઢી પર આખો દિવસ રોકાઇને સાંજે છ વાગ્યાની આસપાસ પરત આવે છે.
શનિવારે સાંજે પણ તેઓ પેઢીનો હિસાબ કરી પાંચ લાખની રકમ કોલેજ બેગમાં મૂકી બાઈક લઈ ઘર તરફ નીકળ્યા હતા. પ્રાંતિજથી અનોડીયા અને મહુડી આશ્રમ ચોકડી થઈ માણસા તરફ આવતા હતા તેઓ પુંધરા ગામના પાટીયે પહોંચ્યા હતા. પિલવાઈ ખાતે દર્શન માટે જવાનું હોવાથી તેઓ વેડા તરફ જતા રોડના વળાંક બાજુ જવા માટે ઉભા હતા. ત્યારે પાછળથી આવી રહેલ એક બાઈક પર બે શખ્સો આવ્યા હતા.
હર્ષદકુમાર કઈ સમજે તે પહેલાં બાઈકની પાછળ બેઠેલા શખ્સે બેગ ઝુંટવી હતી. જોકે તેઓએ પ્રતિકાર કરીને બેગનો પટ્ટો પકડી રાખતા ઓ બાઈક સાથે ઢસડાયા હતા. થોડે આગળ જ બેગનો પટ્ટો તૂટી જતાં તેઓ નીચે પડ્યા હતા અને લૂંટારૂઓ પાંચ લાખ ભરેલી બેગ લઈ છૂ થઈ ગયા હતા. આ સમયે દોડી આવેલા લોકોએ હર્ષદભાઈને તાત્કાલિક સારવાર માટે વિજાપુર ખસેડ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા કેટલાંક સમયથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે જેના કારણે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.
લૂંટારૂઓ જાણભેદુ અથવા રેકી કરી હોવાની શંકા
લૂંટની ઘટના અંગે જાણ થતાં માણસા પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો, પોલીસે આસપાસના વિસ્તારમાં લૂંટારૂઓની ભાળ મેળવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ કઈ હાથ લાગ્યું ન હતું. લૂંટારૂઓનો પ્રતિકાર કરતાં ઈજાગ્રસ્ત થયેલા હર્ષદભાઈએ સારવાર બાદ સમગ્ર મુદ્દે માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહુડી-ગાંધીનગર રોડ અને આસપાસના વિસ્તારમાં સીસીટીવી ચેકિંગ શરૂ કરી આરોપીને ઝડપી લેવા કવાયત હાથધરી છે.
લૂંટારૂઓ જાણભેદુ હોવાની અથવા તેઓને દ્વારા ફરિયાદીની રેકી કરી હોવાની શક્યતા છે. જેને પગલે પોલીસે આંગડીયા પેઢીની આસપાસના સીસીટીવી પણ ચેક કરાશે. મહિના પહેલાં કલોલમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો હતો : કલોલ તાલુકાના છત્રાલ જીઆઈડીસીમાં આવેલી પી.એમ. એન્ટરપ્રાઈઝ નામની અન્ય એક બ્રાંચમં એક મહિના પહેલાં ત્રણ લૂંટારાઓએ વેપારીને રિવોલ્વરની અણીએ લુંટી લેવાનો કારસો રચ્યો હતો. જોકે, પેઢીમાં એ સમયે રોકડ રકમ નહીં હોવાથી લુટારુઓને ફેરો માથે પડ્યો હતો. રિવૉલ્વર નકલી લાગતાં વેપારીએ ત્રણેયનો પ્રતિકાર કરતા લૂંટારુ કારમાં નાસી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.