ભારતીય કિસાન સંઘ માણસા દ્વારા ખેડૂતોની વિવિધ માંગણીઓ અને સમસ્યાઓ સંદર્ભે આવેદનપત્ર આપી ધરણાં યોજ્યા હતા. ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોને પડતર કિંમત પર નફા સાથેના ભાવ નિશ્ચિત કરવા બાબતે દેશ વ્યાપી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં કિસાન સંઘ દ્વારા તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ અને સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો.
જેને પગલે મંગળવારે કિસાન સંઘ માણસા તાલુકા અધ્યક્ષ મણીભાઈ પટેલ, જિલ્લા પ્રતિનિધિ પ્રકાશભાઈ પટેલ, રાજુભાઈ, તાલુકા ઉપપ્રમુખ મફતસિંહ ચાવડા, વિષ્ણુભાઈ ચૌધરી તથા મોટી સંખ્યામાં કિસાન ભાઈઓ માણસા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા.
જ્યાં આવેદનપત્ર આપી રી સર્વેમાં ખેડૂતોને થતી કનડગત, સહકાર આધારિત નવી સિંચાઇ વ્યવસ્થા, મીટર પ્રથા નાબૂદ કરવા અથવા સ્વૈચ્છિક કરવા, મંજૂર થયેલો પાક વીમો સત્વરે ચૂકવી આપવા, ખેત ઓજારો પરનો જીએસટી દૂર કરવા, ચણાની ટેકાના ભાવે ખરીદીમાં વધારો કરવા, જમીનની નોંધ પ્રમાણિત થવાનો સમયગાળો ઘટાડવા, 135 ડીની નોટીસ ગામમાં જઈને પંચાયત કચેરીમાં બેસીને બજવણી કરવામાં આવે તેવી વ્યવસ્થા સહિતની માંગણીઓ કરવામાં આવી હતી. રજૂઆત બાદ કિસાન સંઘ દ્વારા મામલતદાર કચેરીની બહાર પ્રતિક ધરણાં પર બેઠા હતા. પરંતુ મંજૂરી વગરના ધરણાંને પગલે પોલીસે ખેડૂતોને ઊભા થઈ જવાનું કહેતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ચકમક ઝરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.