તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણી ચાલુ રાખીને કામગીરી:માણસાના બજાર, સોસાયટી વિસ્તારમાં ડહોળું પાણી આવતાં તંત્રની કામગીરી

માણસા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખામી શોધવા સતત પાણી ચાલુ રાખીને કામગીરી કરાઈ
  • અઠવાડિયાથી ડહોળું પાણી આવતાં ગંભીર રોગચાળાના ભય હેઠળ આ વિસ્તારના રહીશોએ સમસ્યાનો જલ્દીથી ઉકેલ લાવવા પાલિકાને રજૂઆત કરવામાં આવી

માણસા શહેરના લાલ હનુમાન વિસ્તારમાં ત્રણ મહિના અગાઉ બનાવવામાં આવેલ નવીન પાણીના બોરમાં છેલ્લા અઠવાડીયાથી ખામી સર્જાઈ છે. સોસાયટી વિસ્તાર અને જૂના બજારના વિસ્તારોમાં રહેતા લોકો માટી યુક્ત ડહોળું પાણી પીવા મજબૂર બન્યા છે. ગંભીર રોગચાળાના ભય હેઠળ આ વિસ્તારનાં રહીશોએ આ સમસ્યાનો જલ્દીથી ઉકેલ લાવવા પાલિકાને રજૂઆત કરી છે.

માણસા શહેરના ગાંધીનગર રોડથી રાણીયાપુરા જવાના રસ્તા પર આવેલ લાલ હનુમાન મંદિર પાસેની મહેશ્વરી સોસાયટી પાસે નગરપાલિકા દ્વારા ત્રણ મહિના અગાઉ નવો બોર બનાવવામાં આવ્યો હતો. નવો બોર બન્યા પછી જૂનો બોર બંધ કરી છેલ્લા 15 દિવસથી મહેશ્વરી સોસાયટી, સત્યમ સોસાયટી, સજ્જનનગર સોસાયટી, અલકાપુરી સોસાયટી, રાવળવાસ, મણિયાર શેરી સહિતના બીજા અન્ય વિસ્તારોમાં પાલિકા દ્વારા પાણી શરૂ કરાયું હતું. શરૂઆતના એકાદ અઠવાડિયું પાણી શુદ્ધ આવ્યા બાદ પાણી માટીવાળું અને ડહોળું આવવા લાગતા લોકો ગભરાયા હતા. આવું પાણી પીવાથી કોલેરા જેવો રોગચાળો ફાટી નીકળે તેવી આશંકાએ નગરપાલિકા કચેરીએ જઈ મૌખિક રજૂઆત કરી હતી.

જે અનુસંધાને પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને જે વિસ્તારમાં આ બોરથી પાણી પહોંચાડવામાં આવે છે ત્યાં જઈ રૂબરૂ તપાસ કરતા પાણી ગંદુ નહીં પરંતુ માટી વાળું આવતું હોવાનું જણાયું હતું. બોરમાં ખામી સર્જાઈ હોવાનું માની તાબડતોડ આ નવીન બોર સતત ચાલુ રાખી તેમાંથી નીકળતા પાણીની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. અને હવે પાલિકા બોરની ખામી શોધી, નિરાકરણ લાવી શુદ્ધ પાણી શહેરીજનોને પહોંચાડે ત્યાં સુધી અત્યારે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નર્મદાનું પાણી આપવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...