ગ્રામજનો દ્વારા આંદોલન:માણસાના ગુલાબપુર, ફતેહપુરામાં ડમ્પિંગ સાઇટના નિર્ણય સામે ચૂંટણીના બહિષ્કારની ચીમકી

માણસા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકીય આગેવાનોને પણ ગામમાં પ્રવેશબંધી કરવામાં આવી
  • તંત્ર દ્વારા ઝડપી નિર્ણય ન થાય તો ગ્રામજનો દ્વારા આંદોલન કરવામાં આવશે

માણસા તાલુકાના ગુલાબપુર અને ફતેહપુરા ગામની સીમમાં ખરાબાની ખુલ્લી જગ્યામાં માણસા શહેર તેમજ આજુ બાજુના ગામનો કચરો નાખવામાં આવે છે. જેના કારણે અહીં ભૂંડ, શિયાળ, શ્વાન જેવા પ્રાણીઓ કચરામાં ખોરાક શોધવા આવે છે. જેથી ખેડૂતોના ખેતરમાં નુકસાન પણ પહોંચાડે છે. પરિણામે બંને ગામના ખેડૂતો પરેશાન થઈ ગયા છે.

ફતેહપુરાના ગ્રામજનોએ જ્યાં સુધી આ ડમ્પિંગ સાઇટ ખસેડવામાં ન આવે ત્યાં સુધી આગામી કોઈપણ ચૂંટણીનો બહિષ્કાર અને રાજકીય આગેવાનોને ગામમાં પ્રવેશ બંધીનો નિર્ણય કરી ગામમાં બેનર લગાવી આગામી સમયમાં જલદ કાર્યક્રમો આપવાની તૈયારી દર્શાવી છે. ફતેહપુરા ગામની સીમમાં આશરે પાંચ વીઘા જેટલો ખરાબો માણસાના રેવન્યુ રેકોર્ડ ચાલે છે.

ખરાબાની જગ્યામાં માણસા શહેર ઉપરાંત આજુબાજુના ગામના લોકો તેમનો કચરો તેમજ મરેલા પશુ નાખી જાય છે. જેના કારણે આટલા વિસ્તારમાં ભારે દુર્ગંધ તેમજ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. અહીં નાખવામાં આવતો કચરામાં ખોરાક શોધવા રખડતા ઢોર, કુતરા, ભૂંડ અને શિયાળ જેવા જાનવર મોટી સંખ્યામાં આવે છે, બધો કચરો વેરણછેરણ કરી આજુબાજુના ખેડૂતોના ખેતરમાં ભાગદોડ કરતા હોય છે.

જેના કારણે ખેડૂતોના ખેતરનો પાક બગાડી નાખે છે. આ ઉપરાંત અહીં ભેગો કરેલો કચરો રાત્રિના સમયે સળગાવવામાં પણ આવતો હોય છે. ગ્રામજનોના સ્વાસ્થ્ય માટે પણ મોટો ખતરો તોળાઈ રહ્યો છે અને આ સમસ્યાથી પરેશાન ગામના ખેડૂતોએ સ્થાનિક આગેવાનો તાલુકા અને જિલ્લા કક્ષાના આગેવાનો સુધી પોતાની આ તકલીફની વાત કરી હોવા છતાં હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી, જેથી ગ્રામજનોએ હવે આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે.

ગઈકાલે રાત્રે ફતેહપુરા ગામમાં ગ્રામસભા બોલાવવામાં આવી હતી. જેમાં સર્વ સમાજના લોકોએ એક સૂરમાં આ સાઈટને હટાવવા લડી લેવા માટે સર્વ સંમત થયા હતા. જ્યાં સુધી આ સાઇટ અહીંથી ખસેડવામાં નહીં આવે ત્યાં સુધી આગામી કોઈપણ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેમજ ગામમાં રાજકીય પક્ષ કે રાજકીય આગેવાનોને ગામમાં પ્રવેશ બંધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રવેશબંધી તેમજ ચૂંટણી બહિષ્કારના ગામમાં બેનર લગાવી ડમ્પિંગ સાઇટ બાબતે પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કરી જો સમસ્યાનો ઝડપી ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ આવેદનપત્ર અપાશે ઉપરાંત રેલી ધરણા સહિતના કાર્યક્રમો પણ આપવા સુધી ની તૈયારી ગ્રામજનોએ દાખવી છે.

અન્ય સમાચારો પણ છે...