માર માર્યો:માણસાના રીદ્રોલ તેમજ ફતેપુરા ગામમાં નજીવી બાબતે મારામારી

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિદ્રોલમાં ‘તું ઘેટાં ચરાવવા કેમ એકલો જાય છે.. ’ કહેતા બબાલ
  • ફતેપુરામાં ‘તું કેમ માનતા બાબતે પંચાયત કરતો હતો’ કહીને માર માર્યો

માણસા તાલુકાના રિદ્રોલ ગામમાં ઘેટાં-બકરાં ચરાવવા બાબતે ત્રણ ઈસમે યુવકને ધોકા વડે માર માર્યો હતો. બીજા એક બનાવમાં ફતેપુરા ગામે રહેતા વૃદ્ધને માતાજીની માનતા બાબતે માર મારી ત્રણ શખસ વાહનની તોડફોડ કરી ભાગી છૂટયા હતા આ બંને બનાવોમાં ઇજાગ્રસ્તોએ માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

રીદ્રોલ અને ફતેપુરા ગામે નજીવી બાબતમાં મારામારીના બનાવો બનવા પામ્યા હતા. જેમાં રીદ્રોલ ગામે ચરામાં રહેતા અને પશુપાલન કરી ગુજરાન ચલાવતા 39 વર્ષીય નારણભાઈ રબારી ઘેટા બકરા લઈ ગામના ખુલ્લા ચરામાં ચરાવવા ગયા હતા અને તેઓ સાંજે પરત આવ્યા બાદ પોતાના ઘરે બેઠા હતા.

દરમિયાન રાત્રિના સમયે તેમની બાજુમાં રહેતા ભગાભાઈ રબારી તેમના બે પુત્રો સાથે આવ્યા હતા અને તું તારા ઘેટા બકરા ચરાવવા એકલો કેમ જાય છે ? તેવું કહી ગાળો બોલી હતી.તેમને ગાળો બોલવાની ના પાડતાં તેમના બે પુત્રો લાખાભાઇ અને વેલાભાઈ પણ ઉશ્કેરાઇ જઇ ઝપાઝપી કરવા લાગેલા તે વખતે ભગાભાઈએ નારાયણભાઈને ખભાના ભાગે તેમજ માથાના ભાગે લાકડી ફટકારી હતી. તેમને છોડાવવા વચ્ચે પડેલા તેમના પિતાને પણ આ ત્રણે ઈસમોએ માર માર્યો હતો. તે વખતે ભારે હોબાળો થતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ તેમને છોડાવ્યા હતા અને આરોપીઓએ જતાં જતાં ઈજાગ્રસ્તને જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમણે માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં માણસા પાસેના ફતેપુરા ગામે બળિયાદેવના મંદિર પાસે રહેતા 63 વર્ષીય પશાજી નાથાજી ઠાકોર રાત્રિના સમયે પોતાના ઘરે હાજર હતા. તે સમયે ગામમાં રહેતા બ્રિજેશજી ઠાકોર, બાબુજી ઠાકોર અને મુકેશજી ઠાકોર તેમના ઘરે આવ્યા હતા અને તું કેમ માતાજીની માનતા બાબતે પંચાયત કરતો હતો તેમ કહી ગાળો બોલતા તેમને ગાળો બોલવાની ના પાડતાં બ્રિજેશજીએ વૃદ્ધને લાફા મારી ત્રણે જણાએ તેમના ઘર પાસે મૂકેલી જીપમાં તોડફોડ કરી મારી નાખવાની ધમકી આપતા અને મારામારીમાં બ્રિજેશજીને હાથ પર ચપ્પુ મારી ધમકી આપી ત્રણે લોકો ત્યાંથી ભાગી છૂટયા હતા.

અન્ય સમાચારો પણ છે...