ફરિયાદ:માણસા કોર્ટમાં મુદતે આવેલા પિતા-પુત્રને મારી નાખવાની ધમકી

માણસા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ‘મારા નાણાં આપી દેજો’ કહી ધમકી આપતા ફરિયાદ

વિજાપુર તાલુકાના માલોસણ ગામના પિતા પુત્ર ગત શુક્રવારે માણસા કોર્ટમાં ચેક રિટર્નની મુદતમાં આવ્યા હતા અને પરત ઘરે જઈ રહ્યા હતા. ત્યારે જે વ્યક્તિ સાથે વિવાદ ચાલી રહ્યો હતો, તે લોદરા ગામના ઇસમે તેમને રોકી મારા પૈસા આપી દેજો તેવું કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા માલોસણના ઈસમે માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ વિજાપુર તાલુકાના માલોસણ ગામે રહેતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા સમીરભાઈ દશરથભાઈ પટેલ તથા તેમના પિતા દશરથભાઈ શંકરભાઈ પટેલ ગઈકાલ શુક્રવારે 11 વાગ્યે માણસા કોર્ટમાં તેમનો ચેક રિટર્નનો કેસ ચાલતો હોવાથી મુદત માટે આવ્યા હતા અને બપોરે 12:00 વાગે ઘર તરફ કાર લઈને જઈ રહ્યા હતા.

તે વખતે વિજાપુર રોડ પર આવેલી પટેલ સમાજની વાડી નજીક પહોંચતા, તે સમયે જે વ્યક્તિ સાથે ચેક રીટર્નનો વિવાદ હતો, તે લોદરા ગામનો પટેલ ચિરાગ ભરતભાઈ તેનું બાઈક લઈ કારને રોકી તેની આગળ ઉભો રહી ગયો હતો. સમીરે તેને અપશબ્દો બોલવાની ના પાડતા તે કારની નજીક આવી પિતા પુત્ર બંનેને અપશબ્દો બોલી મારા પૈસા આપી દેજો નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી કેનાલ બાજુ લોદરા ગામ તરફ ભાગી છૂટ્યો હતો.

ધમકીથી ગભરાયેલા પિતા પુત્ર ત્યાંથી પરત માણસા પોલીસ સ્ટેશને આવી ધમકી આપનાર લોદરાના ઈસમ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. નાણા પરત નહીંં આપવા મુદ્દે થયેલી તકરારમાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. ચેક રિટર્ન કેસમાં માણસાની કોર્ટમાં મુદત ભરવા માટે આવેલા માલોસણના પિતા પુત્રને લોદરા ગામના યુવકે નાણા પરત માગી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ પોલીસ ફરિયાદ થતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...