અસ્માત:પરબતપુરા પાસે શ્રમિક યુવકનું વાહન ટક્કરે મોત

માણસા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહન ચાલક અસ્માત કરી ભાગી જતા ફરિયાદ

માણસા તાલુકાના પરબતપુરા ગામે રહેતા એક શ્રમિક પરિવારનો 17 વર્ષીય પુત્ર આજે વહેલી સવારે કુદરતી હાજતે જવા માટે હાઇવે રોડ તરફ જતો હતો. ત્યારે કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાનું વાહનપુર ઝડપે ચલાવી યુવકને ટક્કર મારતા શરીરના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા તેનું સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું. જે બાબતે મૃતક ના પિતાએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

માણસા તાલુકાના પરબતપુરા ગામે પાણીની ટાંકી પાસે હાલ રહેતા અને મૂળ ચીલાકોટા ગોરાડી ફળિયું તાલુકો લીમખેડા જીલ્લો દાહોદના વતની અને પરબતપુરા ગામે રહી છૂટક મજૂરી કામ કરતાં 50 વર્ષીય દલુભાઈ રત્નાભાઇ તડવી તેમના 17 વર્ષીય પુત્ર વિકાસ અને ભત્રીજો તથા તેની પત્ની સાથે રહે છે. જેમાં ગઈકાલે રાત્રે દલુભાઈ તથા તેમનો પુત્ર વિકાસ જમી પરવારીને સુઈ ગયા હતા. ત્યારબાદ આજે વહેલી સવારે 5:30 વાગે તેમનો 17 વર્ષીય પુત્ર વિકાસ કુદરતી હાજતે જવા માટે ઘરેથી એકલો નીકળ્યો હતો અને હાઇવે તરફ જતો હતો.

ત્યારે માણસા તરફ જતી વખતે કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ચાલતા જઈ રહેલા યુવકને ટક્કર મારતા તે રોડ ઉપર પટકાયો હતો. જેમાં તેને માથાના ભાગે બંને હાથ અને પગ પર ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું.

વહેલી સવારે નીકળેલો પુત્ર ઘરે પાછો ન આવતા તેના પિતા તથા પિતરાઈ ભાઈ તેને શોધવા નીકળ્યા હતા. તે સમયે પરબતપુરાથી માણસા જતા રોડ પર વિકાસ લોહી લુહાણ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. જે બાબતે મૃતકના પિતા દલુભાઈએ અકસ્માત સર્જી મોત નિપજાવી ભાગી છૂટનાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...