માણસા તાલુકાના પુંધરા ગામની સીમમાં મોડી રાત્રે પિસ્તોલ, ધોકા અને ધારદાર છરા જેવા હથિયારો સાથે 10 જેટલા ચડ્ડી-બનિયાનધારી મિનરલ વોટર પ્લાન્ટ, કન્સ્ટ્રકશન સાઈટ અને રેતીના પ્લાન્ટ પર ત્રાટકયા હતા. ત્રણે જગ્યા પરથી રોકડ તેમજ સોના ચાંદીના દાગીના મોબાઇલ લેપટોપ મળી કુલ 181500ની લુંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. જે બાબતે લૂંટનો ભોગ બનેલ લોકોએ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
માણસા તાલુકાના પુંધરા ગામની સીમમાં વાડીલાલ કંપનીની સામે આવેલી આસ્થા મેન્યુફેક્ચરીંગ કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા ચાવડાજી પોપટજી ઠાકોર અહીંયા ચાલતા મિનરલ વોટર પ્લાન્ટમાં ફરજ બજાવે છે. જેમાં ગઈકાલે રાત્રે તે પરિવાર સાથે કંપનીની ઓફીસ સામે ખુલ્લામાં સૂઈ રહ્યા હતા. ત્યારે રાત્રિના બે વાગે બે શખ્સોએ તેની પાસે આવી પિસ્તોલ જેવું હથિયાર લમણે મૂકી ઓફિસની ચાવી લઈ બીજા 5 થી 6 ચડ્ડી-બનિયાનધારી ટોળકી સાથે મળી ઓફિસના કબાટ ટેબલ વગેરે અસ્ત વ્યસ્ત કરી અહીં મૂકવામાં આવેલ 47 હજાર રૂપિયા રોકડા તેમજ ચાવડાજીનો 45 હજાર રૂપિયાની કિંમતનો સોનાનો દોરો અને 2500 રૂપિયાની કિંમતના 2 મોબાઈલની લૂંટ કરી ભાગી ગયા હતા.
ત્યારબાદ મહાલક્ષ્મી વીલા સાઈટની અંદર આવેલા બે જૈન મંદિર પાસે પહોંચ્યા હતા અને ત્યાંના પૂજારીને રાત્રિના ત્રણ વાગે જગાડી છરા જેવું હથિયાર બતાવી માર મારવાની ધમકી આપી 8 થી 10 જેટલા ચડ્ડી-બનિયાનધારી ધોકા સાથે આવેલા લૂંટારૂઓએ આ બંને દેરાસરમાંથી 2000ની રોકડ અને 75 હજારના ચાંદીના આભૂષણોની લૂંટ ચલાવી ત્યાંથી આગળ ઉમિયા રેતી પ્લાન્ટમાંથી પણ દસ હજારનું લેપટોપ લઈ ભાગી છૂટયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.