વિવાદ:માણસામાં અધિકારીએ ધારાસભ્યને પોણો કલાક સુધી બેસાડી રાખ્યા

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માણસા નગરપાલિકાની વોર્ડ નં-4ની ખાલી પડેલી એક બેઠક માટે 3 ઓક્ટોબરે મતદાન થશે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારે ગુરૂવારે ફોર્મ ભર્યું હતું, માણસા પાલિકાના સભ્ય એવા વિજયસિંહ રાઓલનું કોરોનાને કારણે અવસાન થયું હતું. જેને પગલે ખાલી પડેલી જગ્યા માટે કોંગ્રેસમાંથી મહેન્દ્રસિંહ દશરથસિંહ રાઓલે (બકાભાઈ) ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું. ફોર્મ ભરવા ઉમેદવાર સાથે ધારાસભ્ય સુરેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનો અને કાર્યકરો ઉમેદવારની સાથે રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ 11 વાગ્યે પહોંચ્યા હતા.

મામલતદાર વિશાલ પટેલને મળી ઉમેદવારીપત્ર સ્વીકારવાનું કહેતાં તેઓએ ચૂંટણી અધિકારી તરીકે નિમાયેલા જિલ્લા પુરવઠા અધિકારી નિરૂપામાબેન ગઢવીને જાણ કરી હતી. જેને પગલે ચૂંટણી અધિકારીએ આવીને ફોર્મ સ્વીકારવાની વાત કરી હતી. જેથી ધારાસભ્ય સહિત તમામ લોકો મામલતદારની ચેમ્બરમાં બેસી રહ્યા હતા.

ચૂંટણી અધિકારી 11:45 વાગે આવ્યા તે પછી જ ફોર્મ સ્વીકારવામાં આવ્યું હતું. જાહેનામા મુજબ ફોર્મ સ્વીકારવાનો સમય 11થી 3 વાગ્યા સુધીનો લખેલો હોય છે, તેમ છતાં લોકોને પોણા કલાક બેસાડી રાખવાની વૃત્તિથી ધારાસભ્ય નારાજ થયા હતા. જો ચૂંટણી અધિકારી અનિવાર્ય સંજોગોને કારણે કચેરીમાં હાજર ન હોય તો અન્ય અધિકારીને ઉમેદવારી ફોર્મ સ્વીકારવા માટે હાજર રાખવા તેઓએ લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...