રજૂઆત:માણસામાં બાબાસાહેબના જન્મ દિવસને પેન્શન બંધારણ અધિકાર દિન તરીકે મનાવ્યો

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂની પેન્શન યોજના ચાલુ કરવા ધારાસભ્યને આવેદન અપાયું

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના ઉપક્રમે આંબેડકર જયંતિના દિવસે માણસામા જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગેની લડતના ભાગરૂપે “પેન્શન બંધારણ અધિકાર દિવસ” તરીકે ઉજવણી કરાઈ હતી. સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી માણસાના ધારાસભ્યને આવેદનપત્ર આપી જૂની પેન્શન યોજના લાગુ કરવા સરકારમાં રજૂઆત કરવા માગણી કરી હતી.

છેલ્લા કેટલાક સમયથી સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓ જૂની પેન્શન યોજના શરૂ કરવા લડત ચલાવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે માણસા શહેરમાં પણ શિક્ષક મિત્રો મિત્રો અને અન્ય સંવર્ગના કર્મચારી ભાઈ-બહેનોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવતાં સૌ સારસ્વત મિત્રોએ જૂની પેન્શન યોજના પુન:સ્થાપિત કરવા અને અંગ્રેજ શાસનની યાદ અપાવનારી નવી પેન્શન યોજના નાબૂદ કરવા સરકારને તાકીદ કરી હતી.

માણસા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ઈતિહાસમાં પહેલી વખત આજનો દિવસ બંધારણ અધિકાર દિવસ તરીકે અભૂતપૂર્વ અને યાદગાર બની રહેશે. ભાજપના મોડેલ રાજ્ય ગુજરાત સિવાયના દિલ્હી સહિતના અન્ય રાજ્યોમાં તો આ યોજના લાગુ પાડવામાં આવી ચૂકી છે. સી.પી.એફ. ધારક કર્મચારીઓને જી.પી.એફ.માં સમાવવાના જનઆંદોલનને તમામ સમુદાય અને સમાજનો પણ પ્રચંડ સહકાર સાંપડી રહ્યો છે.

કર્મચારી મોરચાના ઉપક્રમે માણસા વિધાનસભાના પ્રતિનિધિ એવા ધારાસભ્ય સુરેશભાઈ પટેલને પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને જો સરકાર કર્મચારીઓની આ માંગણીને ન્યાય નહીં આપે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે અને આગામી ચૂંટણીમાં નુકસાન ભોગવવાની તૈયારી રાખવી પડશે એવી ચિમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...