રાજકીય ચિત્રસ્પર્ધા:માણસામાં ભાજપે કમળ દોર્યા તો કોંગ્રેસે બાજુમાં પેટ્રોલ-ગેસના ભાવ ચીતર્યા

માણસા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
માણસાના ગામડાઓમાં દિવાલ ઉપર કમળ દોરવામાં આવતા કોંગ્રેસે તેની બાજુમાં તેના ભાવ લખીને મોંઘવારી વિરુદ્ધ દેખાવો કર્યા હતા - Divya Bhaskar
માણસાના ગામડાઓમાં દિવાલ ઉપર કમળ દોરવામાં આવતા કોંગ્રેસે તેની બાજુમાં તેના ભાવ લખીને મોંઘવારી વિરુદ્ધ દેખાવો કર્યા હતા
  • ગાંધીનગર-માણસામાં રાજકીય ચિત્રસ્પર્ધા
  • માણસામા રાજકીય ગરમાવો શરૂ કરી ઇંટનો જવાબ પત્થરથી આપ્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હજુ જાહેર થઈ નથી તે પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રચાર યુદ્ધ તેજ બન્યું છે. માણસા તાલુકાના રાજપુરા ગામે ભાજપે દીવાલો પર કમળ ન ચિત્ર દોરાવતા કોંગ્રેસે તેની બાજુમાં જ ગેસ સિલિન્ડર, પેટ્રોલના ભાવ, તેલના ડબ્બાના ચિત્રો દોરી તેના ભાવ લખી આડકતરી રીતે હાલની મોંઘવારી માટે જવાબદાર ભાજપને ગણાવી ભાજપના પ્રચાર પર પાણી ફેરવી દીધું છે.

એક તરફ 43 ડીગ્રી ગરમી પડી રહી છે, બીજી તરફ રાજકીય ગરમાવાના કારણે માણસાની જનતા પણ ચિત્રો જોઇને મનોમન કહી રહી છેકે, ઇટનો જવાબ પત્થરથી આપવામા આવ્યો છે. રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ વહેલી યોજાય તેવી શક્યતાઓને પગલે રાજકીય પક્ષોએ પોતાનો ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે.

દિનપ્રતિદિન વધી રહેલી મોંઘવારી ગેસ ડીઝલ-પેટ્રોલ સહિત દરેક ચીજ વસ્તુઓમાં ભાવ વધારો અસહ્ય બનતો જાય છે. સામાન્ય લોકોનુ જીવન દોહ્યલુ બની રહ્યુ છે ત્યારે લોકોને મોંઘવારી સામે આવક કેમ વધારવી તેની ચિંતા છે. રાજકીય પક્ષોને ચૂંટણી કેવી રીતે જીતવી તેના આયોજન અને પ્રચાર કરી રહ્યા છે.

માણસા વિધાનસભા બેઠકમાં આવેલા રાજપુરા ગામમાં ગઈકાલે રાત્રે દીવાલો પર કમળના ચિત્રો દોરવામાં આવ્યા હતા. જ્યારે તેની બિલકુલ બાજુમાં જ આજે કોંગ્રેસે તેનો અનોખી રીતે વિરોધ કર્યો હતો. કમળના ચિત્રની બાજુમાં જ ગેસ સિલિન્ડરનું ચિત્ર દોરી 350નું સિલિન્ડર 1050 રૂપિયા કરનાર, તેલના ડબ્બાનું ચિત્ર દોરી 1550ના ડબ્બાના 2750 કરના ,પેટ્રોલ પંપનું ચિત્ર દોરી 75નું પેટ્રોલ 102 કરનાર જેવા ચિત્રો દોરી આડકતરી રીતે મોંઘવારી વધારવા માટે જવાબદાર હાલની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. ગામમાં ચિત્ર યુદ્ધથી કુતૂહલ સર્જાયું છે.

બીજી બાજુ ચૂંટણી નજીક હોવાથી ભાજપે દીવાલો પર કમળના ચિત્રો દોરાવી પ્રચારનો આરંભ કર્યો છે. કોંગ્રેસ પણ વધતી જતી મોંઘવારીના સમયમાં ચુંટણીને પગલે સક્રિય બની મતદારોને મોંઘવારી અને ભાવ વધારાની યાદ અપાવી પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ગ્રામ્ય કક્ષાએ શરૂ થયેલું આ પ્રચાર યુદ્ધ સમગ્ર માણસા મત વિસ્તારમાં તેજ બનશે તેવું લાગી રહ્યું છે.

ભાજપ સામે આપનું ભીતચિત્ર વોર
ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં સરકારી જાહેર મિલકતો, બિલ્ડિંગ સહિતના સ્થળો પર કમળના ભીંત ચિત્રો દોર્યા છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તુષાર પરીખે મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલને લેખિત રજૂઆત કરીને પગલાં લેવા માંગણી કરી હતી. ત્રણ-ત્રણ લેખિત રજૂઆતો છતાં પગલાં ન લેવાતા હવે આપ દ્વારા આવા સ્થળો પર કમળની બાજુમાં જ પોતાના પ્રતિકો દોરવાનું શરૂ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...