ફરિયાદ:મેં તારા પૈસે કેનેડા જવા લગ્ન કર્યાં હતાં હવે હું તારી પાસે આવવાની નથી: પત્ની

માણસા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકે 30 લાખ ખર્ચી વિદેશ મોકલી ને પત્નીએ તરછોડ્યો
  • ​​​​​​​માણસાના યુવકે પત્ની, સાસુ-સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

માણસાના યુવાને 7 વર્ષ અગાઉ સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કરી પત્નીને ઘરે લાવ્યા બાદ પત્નીની ઇચ્છા મુજબ વધુ અભ્યાસ માટે આઈએલટીએસની પરીક્ષા અપાવી જરૂરી ફી તેમજ અન્ય ખર્ચ મળી 30 લાખ ખર્ચી કેનેડા મોકલી હતી. શરત મુજબ તેના પતિને કેનેડા બોલાવવાનું માડી વાળતા યુવકને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું લાગતા તેણે માણસા પોલીસ સ્ટેશનને વિદેશ ગયેલી પત્ની તેમજ સાસુ સસરા વિરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ માણસા શહેરમાં રહેતા અને મકાન લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકે 2014માં માણસા તાલુકાના એક ગામની યુવતી સાથે બંને પરિવારોની સંમતિથી લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સાસરે આવેલી પરણિતાએ લગ્નજીવનના થોડા સમય બાદ પોતાને વધુ અભ્યાસ માટે કેનેડા જવાની ઇચ્છા દર્શાવતા તેના પતિ અને સાસુ સસરાએ તેની ઈચ્છા પૂરી કરવા IELTSની પરીક્ષા આપવાની તૈયારીના ભાગરૂપે ક્લાસીસ ચાલુ કરાવી પરીક્ષા અપાવી હતી.

ત્યારબાદ કેનેડા અભ્યાસની જરૂરી કાર્યવાહી તેમજ કોલેજ ફી, વિઝા ફી ઉપરાંત એર ટિકિટ સહિતનો તમામ ખર્ચ મળી કુલ 30 લાખ ખર્ચ કર્યો હતો. તે વખતે પરણિતાના પતિએ તેના સાસુ-સસરાને જાણ કરીને કહ્યું હતું કે, અમે આટલો ખર્ચ કરીને તમારી દીકરીને કેનેડા મોકલીએ છીએ, પણ જો તે ત્યાં જઈ મને કેનેડા બોલાવશે નહીં તો મારો કરેલો ખર્ચ પાછો આપવો પડશે, એવી ચોખવટ પણ કરી હતી. ત્યારબાદ 2016માં પરીણિતા કેનેડા જઈ અભ્યાસ પૂરો કરી નોકરી લાગી ગઈ હતી.

આ દરમિયાન તેનો પતિ અવાર-નવાર ફોન પર વાત પણ કરતો હતો. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી યુવકની પત્નીએ વાત કરવાનું બંધ કરી દીધું હતું. છેલ્લે જ્યારે યુવક સાથે વાત થઈ ત્યારે તેણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, અમારા પરિવાર પાસે મને કેનેડા મોકલવાના પૈસા ન હતા. જેથી મેં તારા પૈસે કેનેડા જવા માટે તારી સાથે લગ્ન કર્યા હતા અને હવે હું તારી પાસે આવવાની નથી. માણસાના યુવાને 7 વર્ષ અગાઉ લગ્ન કરી પત્નીને ઘરે લાવ્યા બાદ પત્નીની ઇચ્છા મુજબ વધુ અભ્યાસ માટે આઈએલટીએસની પરીક્ષા અપાવી જરૂરી ફી તેમજ અન્ય ખર્ચ મળી 30 લાખ ખર્ચી કેનેડા મોકલી હતી.

અન્ય સમાચારો પણ છે...