વિરોધ:માણસાના વેપારીઓએ કિસાન સંઘના આંદોલનના સમર્થનમાં સજ્જડ બંધ પાળ્યો

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દુકાનો સજ્જડ બંધ રહી હતી. - Divya Bhaskar
દુકાનો સજ્જડ બંધ રહી હતી.
  • આગેવાનોએ વેપારીઓને બજાર બંધ રાખવા અપીલ કરતા વેપારીઓએ સમર્થન આપ્યું

ખેડૂતોને વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે ભારતીય કિસાન સંઘ આંદોલન ચલાવી રહ્યું છે. 25 ઓગસ્ટથી ગાંધીનગરમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ત્યારે કિસાન સંઘની વ્યાજબી માગણીઓના સમર્થનમાં આજે માણસા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં એપીએમસી સહિત બજારો સ્વૈચ્છિક બંધ રહ્યા હતા, સવારે સંઘના આગેવાનો અને કાર્યકરો વ્યાપારી મિત્રોને બંધમાં જોડાવા માટે અપીલ કરવા માટે નીકળ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ખેડૂતોના પ્રશ્નો અને સમસ્યાઓ માટે ભારતીય કિસાન સંઘ સતત લડત ચલાવી રહ્યું છે.

છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોના બોરકુવા પર આપવામાં આવતી વીજળીના બિલ બાબતે હોર્સ પાવર અને મીટર પ્રથામાં સમાન વીજદર, રીસર્વેની કામગીરી સહિત અનેક મુદ્દા સાથે સરકારમાં રજૂઆતો કરી હતી. તમામ સમસ્યાઓ અને પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે માંગ કરી રહ્યા છે, છતાં તેનો કોઈ ઉકેલ ન આવતા આખરે કિસાન સંઘ દ્વારા ગાંધીનગરમાં 25 ઓગસ્ટથી ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેના સમર્થનમાં હજારો ખેડૂતો જોડાયા છે. આંદોલન વધુ ઉગ્ર બનાવવા માટે પણ ખેડૂતોની તૈયારી હોય તેવું જણાઈ રહ્યું છે.

આંદોલનમાં આમ પ્રજાજનોનું પણ સમર્થન મળી રહ્યું છે. ત્યારે કિસાન સંઘ દ્વારા આજે ગાંધીનગર જિલ્લાના માણસા બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને આ બંધમાં જોડાવા માટે વેપારીઓ પ્રજાજનોને અપીલ કરવામાં આવી હતી. જેના કારણે આજે સવારથી જ એપીએમસીના માર્કેટયાર્ડમાં તમામ પેઢીઓએ બંધ પાળી પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. શહેરના મુખ્ય બજારો સરદાર પટેલ માર્કેટ, કોલેજ શોપિંગ સેન્ટર પટેલ ચેમ્બર્સ, યાજ્ઞિક ચેમ્બર્સ, મહાવીર કોમ્પ્લેક્સ સહિત મુખ્ય બજારની મોટા ભાગની દુકાનો સ્વૈચ્છિક બંધ રાખી વેપારીઓએ પણ કિસાન સંઘના આંદોલનને પોતાનો ટેકો જાહેર કર્યો હતો.

આજે સવારે કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી આર.કે.પટેલ,તાલુકા પ્રમુખ મણીભાઈ પટેલ સહિત કાર્યકરો, આગેવાનો અને ખેડૂતો માણસાના બજારમાં વેપારીઓને તેમના આંદોલનની માહિતી આપી બંધના એલાનમાં સહકાર આપી સ્વૈચ્છિક બંધ પાડવા માટે અપીલ કરી હતી, જેના કારણે માણસા બજાર સંપૂર્ણ બંધ રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...