ગાંધીનગર જિલ્લાના સોલૈયા ગામ ખાતે યોજાયેલા વિશ્વ આંજણા મહાસંમેલનના સ્નેહ મિલન સમારંભને મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકાયો હતો. કાર્યક્રમમાં 200થી વધુ પણ એનઆરઆઇ સહિત 1 લાખ જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મહાસંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે,‘ ગુજરાતે સમાજ શક્તિને વિકાસ સાથે જોડવાનો પરિચય દેશ- દુનિયાને આપ્યો છે. પ્રત્યેક સમાજના સર્વાંગીણ વિકાસે ગુજરાતની પ્રગતિને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી છે, એકતામાં જ તાકાત રહેલી છે,
એક બની, નેક બની પુરૂષાર્થ કરીએ તો વિકાસ નિશ્ચિત છે.’ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે,‘ચૌધરી સમાજનો મોટો વર્ગ ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ઘણા પરિવાર આજે પણ મહેનત- મજૂરી કરીને જીવન નિર્વાહ ચલાવે છે. છેલ્લા થોડાક સમયમાં સમાજના યુવાનોએ અથાગ મહેનત કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી છે.’ વિશ્વ આંજણા મહાસંમેલનના અધ્યક્ષ અને અમેરિકા- કેનેડા ચૌઘરી સમાજના પ્રમુખ રમણભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘કાર્યક્રમનું આયોજન કરવાનો મુખ્ય હેતુ ચૌધરી સમાજને વિશ્વફલક પર ઉજાગર કરવાનો છે.
આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલ, રાજસ્થાનના જાલોર- શિરોહીના સંસદસભ્ય દેવજીભાઇ એમ. પટેલ, અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ શેઠ હરિભાઇ ચૌઘરીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં રમણભાઇ ચૌધરીના આ કાર્યને બિરદાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.