તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:જમીન વેચાણ-વહેંચણી બાદ પણ ખાતા નંબર એક રહેતાં હાલાકી

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોને નાની-મોટી સમસ્યાઓ સર્જાય છે
  • ખેડૂતોને પડતી મુશ્કેલીને લઈ ગુજરાત મહેસૂલ ખેડૂત હિતરક્ષણ સમિતિની સુધારા માટે કલેક્ટર કચેરીએ રજૂઆત

ખેડૂતોની માલિકીની જમીન વેચાણ કે વહેંચણી બાદ સાત-બારના ઉતારા અલગ આવે છે. પરંતુ ખાતા નંબર એક જ હોવાથી તેમાં સુધારો કરવા માટે ખેડૂતે જમીની માપણી કરાવી ફરી નોંધ પડાવવાની ફરજ પડતી હોય છે. આ સમસ્યા ગાંધીનગર સહિત રાજ્યના મોટાભાગના ખેડૂતોને નડી રહી છે. જેને પગલે ગુજરાત મહેસુલ ખેડૂત હિતરક્ષણ સમિતિએ સુધારા માટે માંગ કરી છે.

માણસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેડૂતો પોતાની માલિકીની જમીન વેચે કે વહેંચણી કરે ત્યારે સાતબારના ઉતારા અને ખાતા નંબર પણ અલગ બનતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આવી રીતે વહેંચણી કે વેચાણ બાદ સાતબારના ઉતારા અલગ થાય છે પરંતુ ખાતા નંબર એક જ રહે છે. જેને પગલે ખેડૂતોની નાની-મોટી સમસ્યાઓ સર્જાય છે, જેથી ખેડૂતોને મામલતદાર કચેરીના ધક્કા ખાવા પડી રહ્યાં છે.

ગુજરાત મહેસુલ ખેડૂત હિતરક્ષણ સમિતિ માણસાના મુખ્ય કન્વીનર ડી. કે. રાજપરાને આ અંગે માણસા મામલતદારને મૌખિક રજૂઆત કરી હતી. આ સાથે તેઓએ કલેકટર અને ડીએલઆર શાખામાં પણ રજૂઆત કરી છે. જેમાં આ પ્રશ્ન સરકારનો હોવાનું જણાવી સોફ્ટવેરમાં ફેરફાર કરવાથી તેનો ઉકેલ લાવવા માંગણી કરી છે.

ખેડૂત પોતે આવી સમસ્યા સર્જાય ત્યારે જમીનની ફરીથી માપણી કરાવી સાતબાર અને આઠ-અ અલગ કરાવવા પડે છે. સોફ્ટવેરની ભૂલ હોવા છતાં પૈસા ખર્ચી હુકમ કરાવવો પડતો હોવાની લાગણી ખેડૂતોની છે. આ સમસ્યા રાજ્યના મોટાભાગના ખેડૂતોને પડી રહી છે જેથી આ બાબતે સરકાર દ્વારા સોફ્ટવેરમાં સુધારો કરી ખેડૂતોના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માંગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...