માણસા તાલુકાના હરણાહોડા ગામની સીમમાં રહેતા બે પરિવારો વચ્ચે ગઇકાલે બપોરે ખેતરમાંથી વાંદરા ભગાડવા બાબતે ઉગ્ર બોલાચાલી બાદ બંને પરિવારો ધોકા વડે એકબીજા પર હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી જે બાબતે માણસા પોલીસે ઇજાગ્રસ્ત બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હરણાહોડા ગામની સીમમા ટીંટોદણ રોડ પર આવેલ સરકારી બોર પાસે પરિવાર સાથે રહી ખેત મજૂરી કરતા શકરીબેન રણજીતજી રાઠોડ ગઈકાલે બપોરે તેમના ઘરે હાજર હતા.
તે સમયે તેમના સાસુ લીલાબેન બાજુમાં આવેલા પોતાના ખેતરમાં વાંદરા આવ્યા હોવાથી તેમને ભગાડી રહ્યા હતા. ત્યારે પડોશમાં રહેતા દશરથજી તલાજી રાઠોડ ત્યાં પહોંચી ગયા હતા અને લીલાબેનને કહેવા લાગ્યા હતા કે, તમે તમારા ખેતરમાંથી વાંદરા ભગાડી મારા ખેતર બાજુ કેમ મોકલો છો તેવું કહી ઉગ્ર બોલાચાલી કરી હતી. આ સમયે તેના પત્ની શાંતાબેન પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ઘૂઘરો બોલાચાલી થતા આ બંને જણાએ ગાળાગાળી કરી ધોકા વડે લીલાબેનને માર માર્યો હતો.
ભારે હોબાળો થતાં શકરીબેન તથા તેમના પતિ રણજીતજી પણ ખેતરમાં પહોંચી ગયા હતા અને તે વચ્ચે છોડાવવા જતાં દશરથજી, શાંતાબેન તથા તેમનો પુત્ર હીરાજી ત્રણે ભેગા મળી શકરીબેનના ઘરના ત્રણ સભ્યો પર ધોકા વડે હુમલો કર્યો હતો. આ વખતે આજુબાજુથી દોડી આવેલા લોકોએ બંને પરિવારોને છોડાવ્યા હતા. જેમાં શકરીબેન તથા તેમના સાસુ ને ઇજાઓ થતાં બન્નેને માણસા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ગાંધીનગર વધુ સારવાર માટે ખસેડાયા હતા.
જે બાબતે ઇજાગ્રસ્ત શકરીબેને ધોકા વડે હુમલો કરી મારી નાંખવાની ધમકી આપનાર દશરથજી તલાજી રાઠોડ,શાંતાબેન દશરથજી રાઠોડ અને હીરાજી દશરથજી રાઠોડ વિરુદ્ધ ફરિયાદ આપી હતી સામે પક્ષે શાંતાબેને પણ રણજીતજી કાળાજી રાઠોડ,શકરીબેન રણજીતજી રાઠોડ અને લીલાબેન કાળાજી રાઠોડ વિરુદ્ધ ધોકા વડે હુમલો અને મારી નાખવાની ધમકી બાબતે ફરિયાદ આપતા પોલીસે બંનેની ફરિયાદ લઇ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.