માણસાના ખરણા ગામે રહેતા યુવકને વિદેશ અભ્યાસ અર્થે જવાનું હોવાથી દોઢ વર્ષથી પ્રયત્ન કરતો હતો. ત્યારે ફેસબૂકના માધ્યમથી દિલ્હીના મહિલા એજન્ટ સાથે સંપર્ક થતા મહિલાએ સ્ટુડન્ટ વિઝાથી યુક્રેન મોકલવાના પેકેજના 2.70 લાખ તેમજ અમેરિકન ડોલર લીધા બાદ નક્કી કર્યા મુજબની કોઈ સેવા ન આપતા તેમજ યુક્રેનમાં ડોલર પડાવી લીધા હતા. જ્યારે ફોન ઉપર નાણાં પરત માગવાની વાત કરતા મારી નાખવાની ધમકી આપી હતી. છેતરપિંડી કરનાર મહિલા એજન્ટ સહિત બે વિરુદ્ધ યુવકે માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
માણસા પાસે આવેલા ખરણા ગામમાં રહેતા ધવલ ગજેન્દ્રભાઈ પરમારને વિદેશ અભ્યાસ માટે જવાનું હોવાથી દોઢ વર્ષથી પ્રયત્ન કરતા હતા. ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી દિલ્હીની મહિલા એજન્ટ રીયા પાંડેનો સંપર્ક થતા યુવકે સ્ટુડન્ટ વિઝા પર વિદેશ જવાની વાત કરી હતી. જેથી આ મહિલા એજન્ટે ધવલને દિલ્હી ખાતે રૂબરૂ બોલાવી અત્યારે હાલ યુક્રેન માટે સ્ટુડન્ટ વિઝાનું કામ ચાલુ છે, એવું કહી 270000નું પેકેજ બતાવ્યું હતું. આ પેકેજમાં 2500 ડોલર કોલેજ ફી, એક વર્ષનું રેસિડન્સ કાર્ડ, બે મહિના રહેવાની સગવડ, ટ્રાવેલિંગ ઇન્સ્યોરન્સ, કોલેજ ઇન્વિટેશન લેટર સહિતના લાભ આપવાની વાત કરી હતી.
વાત થયા મુજબ ધવલે બે લાખ સિત્તેર હજાર રૂપિયા રોકડા આપ્યા હતા. ઉપરાંત 70000 ફ્લાઇટની ટિકિટના આપ્યા બાદ યુવકને યુક્રેન મોકલ્યો હતો. ત્યારે ત્યાં ગયા પછી પણ ત્યાંના એજન્ટે ધવલ પાસેથી બળજબરીથી 7000 ગ્રેવીના અને 500 અમેરિકન ડોલર પડાવી લીધા હતા. એજન્ટે આટલા નાણાં લીધા છતાં યુવક જ્યારે કોલેજમાં ગયો ત્યારે ખબર પડી કે તેની ફી ભરાઈ નથી.
જેથી પોતે છેતરાયા હોવાનું તેમજ પેકેજમાં બતાવેલા લાભ ન મળવાના કારણે તે ગમે તેમ કરી પરત ઘરે આવી ગયો હતો અને અને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવા બાબતે રિયા પાંડેને ફેસબુક પર બોલાચાલી કરતા મહિલાએ તેના વિરુદ્ધ ફરિયાદ આપી હતી. જેથી પોતે છેતરપિંડીનો ભોગ બન્યો હોવા છતાં સામી ફરિયાદ કરનાર દિલ્હીની મહિલા એજન્ટ રીયા પાંડે અને વિશાલકુમાર બંને વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવથી માણસા તાલુકામાં ભારે ચકચાર મચી જવા પામી હતી.અને વિદેશ જવા માગતા અન્ય લોકો પણ સાવચેત થઈ ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.